ગોંડલ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે, પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાની સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ ઉપવાસ રાખતા હોઈ છે. ત્યારે કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ મહિલા સમિતિ દ્વારા ખોડલધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેમાં આજે પાંચમા નોરતે ગોંડલ ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ચુંદડી મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 365 મહિલાઓ દ્વારા 365 ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી.
મંદિરના કેમ્પસમાં વાજતે ગાજતે માતાજીનો રથ લઈને ચૂંદડી ઓઢાડી
કાગવડ શ્રી ખોડલધામ મંદિરના આંગણે ખોડલધામ મહિલા સમિતિ ગોંડલની મહિલાઓ દ્વારા પાંચમાં નોરતે ચુંદડી મનોરથ યોજવામાં આવ્યો હતો. જેમાં 365 મહિલાઓ દ્વારા 365 ચૂંદડી મંદિરના ગર્ભગુહથી મંદિરના દરવાજા સુધી લાંબી કરવામાં આવી હતી. જેમાં એક ચૂંદડીની લંબાઈ 3 મીટર હતી, એક ચૂંદડીની સાથે બીજી ચૂંદડી જોડવામાં આવી હતી. 365 મહિલાઓ એક સાથે હરોળમાં ઉભી રહીને માતાજીને ચૂંદડી ઓઢાળવામાં આવી હતી. આ ચૂંદડી મનોરથમાં સૌ ભક્તજનોએ લાભ લીધો હતો. સત્સંગ મંડપથી વાજતે ગાજતે માતાજીનો રથ લઈને મંદિર સુધી સૌ મહિલાઓ રંગબેરંગી ચૂંદડી લઈને પહોંચ્યા હતા.
યજ્ઞ મંડપમાં ચુંદડીની પૂજા અર્ચના કરવામાં આવી
ખોડલધામ મંદિરના કેમ્પસમાં યજ્ઞ શાળામાં તમામ રંગબેરંગી ચુંદડીની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં સૌ મહિલાઓના હસ્તે વિધિવત મુજબ પૂજા અને આરતી ઉતારી માતાજીના રથમાં વાજતે ગાજતે મંદિર સુધી લઈ જવામાં આવી હતી. રંગબેરંગી ચૂંદડીથી કેમ્પસ ખીલી ઉઠ્યું હતું.