મોરબી8 મિનિટ પહેલા
- કૉપી લિંક

બસમાં સવાર લોકોને ઈજા પહોંચી…
ગત રાત્રીના મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદથી મામેરૂ ભરીને ટ્રાવેલ્સમાં પરત આવી રહ્યો હતો. ત્યારે ચરાડવા નજીક ચા પાણી પીવા માટે બસ રોકતા ચરાડવા ગામના કેટલાક ઈસમો અપશબ્દો બોલતા હોય જેથી અપશબ્દો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા ઇસમોએ અન્ય લોકો સાથે મળીને ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જે ઘટનામાં બસમાં સવાર 5થી 6 લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ડાભી પરિવારના 70 જેટલા લોકો અમદાવાદ મામેરાના પ્રસંગમાં ગયા હતા. મામેરુ ભર્યા બાદ પીપળી પરત આવી રહ્યા હતા. ત્યારે શનિવારની રાતના સાડા બાર વાગ્યાની આસપાસ હળવદના ચરાડવા નજીક ટ્રાવેલ્સ રોકી ચા-પાણી પીવા ઉતર્યા હતા. આ વેળાએ ચરાડવા ગામના બે યુવાનો હોટલ પાસે અપશબ્દો બોલતા હોય જેથી ટ્રાવેલ્સમાં મહિલાઓ પણ હોય અપશબ્દો ન બોલવા કહ્યું હતું. આથી ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં ડાભી પરિવાર ટ્રાવેલ્સમાં બેસી પીપળી જવા રવાના થયો હતો.
જે ટ્રાવેલ્સ બસ ચરાડવાથી એકાદ કિલોમીટર દુર પહોંચી ત્યારે બે કાર અને ચાર જેટલા બાઈકમાં આવેલા શખ્સોએ ટ્રાવેલ્સ બસને રોડ ઉપર આંતરી પથ્થરો અને લોખંડના કટકાથી હુમલો કર્યો હતો. આ હિંચકારા હુમલામાં ટ્રાવેલ્સ બસના કાચ ફૂટ્યા હતા. તેની સાથે સાથે ટ્રાવેલ્સમાં સવાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
તો નજીવી બાબતે ટ્રાવેલ્સ પર પથ્થરમારો કરીને આતંક મચાવવામાં આવ્યો હોય જેણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઉભા કર્યા છે. આવારા તત્વો બેફામ બની ગયા છે, ચોરીના બનાવો રોકવામાં નિષ્ફળ પોલીસ આવા તત્વોને પણ કાબુમાં રાખી સકતી ના હોય જેથી આવા બનાવો છાશવારે બનતા હોય છે. નાગરિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબુર બન્યા છે.

લક્ષ્મીનગર ગામના બંધ મકાના તાળા તૂટ્યા…
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જે ચોરીના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે રોટરી સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 10-02-2023ના રોજ સવારના ફરિયાદી મોતીભાઈ તેના પત્ની હંસાબેન સાથે રાજકોટ કૌટુંબી કાકાના ઘરે પ્રસંગમાં જવા નિકળ્યા હતા. સવારના સાડા નવેક વાગ્યે ફરિયાદીના બાપુજી ચકુભાઈ, દીકરા સુખદેવ અને કરણ ત્રણેય ભરતનગર ગામમાં લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા ગયા હતા.
ફરિયાદીના માતા લક્ષ્મીબેન તથા દીકરી શીતલ બંને સવારના ધ્રોલ કપડાની ખરીદી કરવા ગયા હોય અને ઘર બંધ હતુ. ત્યારે અગિયાર વાગ્યાના અરસામાં દીકરા સુખદેવનો ફોન આવ્યો હતો અને ઘરના તાળા તૂટ્યા છે કહેતા તેઓ રાજકોટથી પરત આવી ગયા હતા. ઘરમાં ચેક કરતા કબાટનો લોક તૂટેલ હતો અને સામાન વેરવિખેર હતો.
કબાટમાંથી ચોરી થઇ હોય તેવું જણાઈ આવ્યું જે કબાટમાં રાખેલ જુનો ચેન વજન દોઢ તોલાનો કિંમત રૂ. 30,000 સોનાના બે જોડી જુના પાટલા વજન એક તોલું કિંમત રૂ. 20 હજાર અને રોકડ રૂ. 1.40 લાખ મળીને કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. મોરબી તાલુકા પોલીસે ચોરીના બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.