ગાંધીનગર9 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્ન પ્રત્યુત્તરનો સમય ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીને ખાદ્યાન અને ખાદ્યતેલના દરોડા અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આજે ગૃહમાં આપવામાં આવ્યો હતો. જે જવાબમાં 30 જિલ્લાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે તેમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, બે વર્ષમાં 30 જિલ્લા પૈકી ફક્ત 21 જિલ્લામાં જ ખાદ્યાન્નના દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે 9 જિલ્લામાં એક પણ દરોડો નથી પડાયો. બીજી બાજુ રાજ્યમાં ખાદ્યતેલના ભાવો રેકોર્ડબ્રેક ઉપર ગયા છે. ત્યારે તે સંદર્ભે શું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તે ચકાસવાની પણ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોઈ તસ્દી લેવાઈ નથી. તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
21 જિલ્લામાંથી 1.90 કરોડના અનાજનો જથ્થો જપ્ત
રાજ્યમાં બે વર્ષમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલા ખાદ્યાન્ન અને ખાદ્યતેલને લઈ 30 જિલ્લાઓ પૈકી માત્ર 21માં 155 દરોડા પાડવામાં આવ્યા છે, આ દરોડાઓમાં ઘઉં, ચોખા અને તુવેરદાળનો 6,92,225 કિલો.ગ્રા અનાજનો રૂ.1,90,64,952ની કિંમતનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. જ્યારે 9 જિલ્લામાં એકપણ વખત દરોડા પાડવામાં આવ્યા નથી. જોકે બે વર્ષમાં 155 દરોડા એટલે કે સરેરાશ પાંચ દિવસે માત્ર એકવાર દરોડા પાડવાની કામગીરી કરવામાં આવે છે.
ખાદ્યતેલ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી
આ ઉપરાંત રાજ્યમાં તેલના ભાવો આસમાને પહોંચી ગયા છે. ત્યારે તેને સંગ્રહ કરીને ભાવો ઉચકાઈ ત્યારે બજારમાં વેચવામાં આવે છે. તેમ છતાં બે વર્ષમાં તેલ મીલરો અને તેલીયા રાજાઓનો ભંડારો/ગોડાઉનમાં કેટલો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે. તે ચકાસવાની કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
બોટાદમાં સૌથી વધુ 25 દરોડા, 6 જિલ્લામાં ફક્ત 1-1 દરોડો
નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બે વર્ષમાં કુલ પાડેલા 155 દરોડા પૈકી બોટાદ જિલ્લામાં સૌથી વધુ 25 વાર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 24299 કિ.ગ્રા. 7.66 લાખની કિંમતનો ખાદ્યાન્નનો જથ્થો રાજ્યસાત કરાયો છે. જ્યારે સૌથી વધુ કિંમતમાં ભાવનગરમાં 23 દરોડામાં રૂ.43.73 લાખનો 23532 કિ.ગ્રા.નો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. ત્યારે સૌથી વધુ જથ્થામાં સુરેન્દ્રનગરમાં 7 દરોડા પાડી 153635 કિ.ગ્રા રૂ.39.02 લાખનો જથ્થો રાજ્યસાત કરાયો છે. બીજી બાજુ જે 21 જિલ્લામાં દરોડા પડાયા છે. તેમાંથી મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ફક્ત 1-1 વાર જ દરોડા પડાયા છે. ત્યારે તેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 1 દરોડો પાડી 37700 કિ.ગ્રા રૂ.9.25 લાખનો ખાદ્યાન્નનો જથ્થો રાજ્યસામ કરાયો છે. જોકે આ તમામમાં ગીરસોમનાથમાં 6 દરોડા પાડી જથ્થમાં સૌથી ઓછું 741 કિ.ગ્રા રૂ.32 હજારનો જથ્થો રાજ્યસાત કરાયો છે.