- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Beating Heart From Surat, 110 Minutes To Mumbai, Covering A Distance Of 297 Km, Was Able To Donate Lungs, Liver, Kidneys And Eyes In Mumbai.
સુરત3 મિનિટ પહેલા
ટેક્સટાઈલ અને ડાયમંડ જ નહીં સુરત હવે અંગદાનના શહેર તરિકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી 44માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે ફેફસાંના દાનની 14મી ઘટના સામે આવી છે. સુરતના લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ઉ.વ 57ના પરિવારે હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર મહારાષ્ટ્રના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
માથામાં દુઃખાવાની ફરિયાદ બાદ બ્રેઈન હેમરેજ થયું
મૂળ ગામ- સુખપુર, તા. ધારી જી. અમરેલીના રહેવાસી અને હાલમાં અમરોલી, સુરત ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા વિનોદભાઈએ 8 માર્ચના રોજ રાત્રે માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. 9 માર્ચના રોજ સવારે 5.30 કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞીક, ડૉ. આકાશ બારડ, ડૉ. ક્રિષ્ના પટેલે વિનોદભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

અંગદાતાને આખરી સલામ આપવામાં આવી હતી.
પત્ની અને પરિવારે અંગદાનની સંમતિ આપી
વિનોદભાઈના પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન, સાળા રાજેશભાઈ, હિતેશભાઈ, કાળુભાઈ અને વેકરીયા પરિવારના અન્ય સભ્યોને ડોનેટ લાઈફ દ્વારા અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે, મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત ઉ.વ 31 અને હિરેન ઉ.વ 29 છે. જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી.

પરિવારે ભારે હૈયે અંગદાનનો નિર્ણય કર્યો હતો.
અંગોનું દાન કરાયું
હૃદયનું દાન મુંબઈની જશલોક હોસ્પિટલના ડો. ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમે, ફેફસાનું દાન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો. મેનાનદેર અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

પોલીસ દ્વારા સમગ્ર રસ્તાને થોડીવાર બંધ કરી દેવાયો હતો
મુંબઈ હ્રદય મોકલાયું
સુરતની વિનસ હોસ્પિટલથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર, મહારાષ્ટ્રના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં ડૉ. હેમંત પથારે અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

પરિવાર સહિત તંત્રએ અંગદાનમાં પૂરતો સપોર્ટ કર્યો હતો.
લિવર-કિડનીના દાન થયા
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વ્યારાની રહેવાસી 49 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચોબલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 69 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની રહેવાસી 32 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે.

ગ્રીન કોરીડોરથી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.
ગ્રીન કોરીડોર કરાયો
હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. કિડની અમદાવાદની IKDRC મોકલવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.