વડોદરાએક કલાક પહેલા
વડોદરા નજીક સમીયાલા ગામમાં યુવાનના લગ્ન નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલા કેટલાક યુવાનો ધાર્મિક સ્થાન પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. લઘુમતી કોમના લોકો દ્વારા ફટાકડા ન ફોડવા માટે જણાવતા કોમી ભડકો થયો હતો. બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા 3 વાહનોને આગચંપી કરી હતી અને 11 વાહનોની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં ધાર્મિક સ્થાન સહિત મકાનોના કાચ તૂટ્યા હતા. આ બનાવમાં 10 લોકોને ઇજાઓ પહોંચી હતી. વડોદરા તાલુકા પોલીસે બંને જૂથના 15 તોફાનીઓની ધરપકડ કરીને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
લગ્નનો વરઘોડો નીકળ્યો હતો
હોળી-ધૂળેટીના તહેવાર કુમરતા પૂરાં થતાંની સાથે લગ્નસરાની મોસમ શરૂ થઇ ગઇ છે, ત્યારે શુક્રવારે વડોદરા નજીક સમીયાલા ગામમાં મસ્જીદની સામે આવેલા ખેતરમાં રહેતા ગોવિંદભાઇ સોમાભાઇ પરમારના પુત્ર મેહુલનું લગ્ન હતું. લગ્ન પ્રસંગ નિમિત્તે મેહુલનો ડી.જે. અને ભારે આતશબાજી સાથે બગીમાં ખેતરમાંથી વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં 500 જેટલા લોકો જોડાયા હતા.

તોફાની ટોળા વચ્ચે ભીષણ પથ્થરમારો થયો હતો.
બંને જૂથ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ
ખેતરમાંથી વાજતે-ગાજતે નીકળેલો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. રાત્રે 12:30 વાગ્યાના સુમારે ગામમાં આવેલી મસ્જિદ પાસે રહેતા કમલેશભાઇ પટેલના ઘર પાસે વરઘોડો પહોંચ્યો હતો. જ્યાં વરઘોડામાં જોડાયેલા મનિષભાઇ ચૌહાણ તેમજ અન્ય યુવાનોએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. તે સમયે હાફિઝઅલી ઉર્ફ કાલુ હસનભાઇ સૈયદ, ભુપત નૂરમહંમદ ઘાંચી, ઉસ્માન નૂરમહંમદ ઘાંચી, હસુ નૂરમહંમદ ઘાંસી સહિત 25 જેટલા લોકોએ મનિષભાઇ તથા અન્ય યુવાનોને ફટાકડા ન ફોડવા જણાવતા મામલો બિચક્યો હતો. અને બંને જૂથ વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી.
મારો..મારો..ની બૂમો પડી
દરમિયાન ફટાકડા ફોડતા રોકનાર જૂથના યુવાનોએ વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેની સામે વરઘોડામાં જોડાયેલા લોકોએ પણ સામે પથ્થમારો શરૂ કરી દીધો હતો. સામસામે શરૂ થયેલા ભારે પથ્થરમારાને પગલે નાસભાગ મચી ગઇ હતી. ડી.જે.માં વાગતા ગીતોના બદલે લોકોની ચિચિયારીઓ શરૂ થઇ ગઇ હતી અને મારો..મારો.. જેવા બૂમો પડવાનું શરૂ થઇ ગયું હતું.

તોફાની ટોળાએ ત્રણ જેટલા વાહનોને સળગાવી દીધા.
ચિચિયારીઓથી ગામ ગુંજી ઉઠ્યું
બંને કોમ વચ્ચે ચાલુ રહેલા સતત પથ્થરમારા વચ્ચે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા રસ્તામાં પડેલી ઇકો કાર, ઓટો રિક્ષા સહિત 3 જેટલા વાહનોને આગચંપી કરી સળગાવી દીધા હતા. તો કેટલાક તોફાની ટોળાઓ દ્વારા ટુ-વ્હીલર, થ્રી વ્હિલરો સહિત 11 જેટલા વાહનોની તોડફોડ કરી હતી. રાત્રે 12:30 વાગ્યાના સુમારે થયેલા કોમી તોફાનને પગલે નિંદ્રાધિન લોકો પણ પથારીમાંથી સફાળા ઉભા થઇ ગયા હતા. જોત જોતામાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કોમી તોફાનને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
બારીઓના કાચ તૂટ્યા
મોડી રાત્રે બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારામાં બંને કોમના 10 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. લઘુમતી કોમના ટોળું મારક હથિયારો સાથે ધસી આવ્યું હતું અને વરઘોડામાં જોડાયેલા યુવાનો ઉપર હુમલા કર્યા હતા. પથ્થરમારો અને હુમલામાં ઇજા પામેલા લોકોને કેટલાક લોકો સારવાર આપવા માટે દોડધામ કરી મૂકી હતી. કેટલાક લોકો દ્વારા વાહનોમાં લાગેલી આગને બૂઝાવવા માટે દોડધામ કરી મૂકી હતી. ભારે પથ્થરમારાના કારણે ધાર્મિક સ્થાન સહિત અનેક મકાનોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા.

તોફાનીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
મોડી રાત્રે થયેલા કોમી તોફાન અંગેની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જોકે, કોમી તોફાને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી અન્ય તાલુકાની પોલીસને પણ બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવી હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એલ.સી.બી. પી.આઇ. કૃણાલ પટેલ, એસ.ઓ.જી. સહિતના પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. તે સાથે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસે બંને કોમના તોફાનીઓની ધરપકડ કરી હતી.
27 સહિત ટોળા સામે ફરિયાદ
બીજી બાજુ વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે લઘુમતી કોમના યુવાનો દ્વારા કરવામાં આવેલા પથ્થર મારા અંગે અલ્પેશભાઇ મહેશભાઇ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં હાફીઝઅલી ઉર્ફ કાલુ હસનઅલી સૈયદ, ભુપત નૂરમહંમદ ઘાંચી, ઉસ્માન નૂરમહંમદ ઘાંચી, હસુ નૂરમહંમદ ઘાંચી, સાજીદ અઝીઝ અલ્લારખા ઘાંચી, આરીફ ઘાંચી સહિત 27 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 15 આરોપીની ધરપકડ કરી હતી.
ફટાકડા ન ફોડવા સમજાવ્યા
જ્યારે સામે પક્ષે લિયાકતઅલી અબ્દુલમીયાં સૈયદે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાત્રે નોકરી કરીને ઘરે જતો હતો. તે સમયે વરઘોડામાં જોડાયેલા યુવાનો મસ્જિદ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે ઉબેદઅલી અબ્બાસઅલી સૈયદ, જુનેદ અજીત ઘાંચી, અનિશ રજાક ઘાંચી મસ્જીદ પાસે ફટાકડા ન ફોડવા માટે સમજાવી રહ્યા હતા.

ટોળાએ વાહનો સળગાવતા પોલીસ દોડી ગઈ હતી.
અનેકને નાની-મોટી ઇજાઓ
દરમિયાન કલ્પેશ ભોલાભાઇ પઢીયાર, પિયુષ મુન્નાભાઇ પઢીયાર સહિત અન્ય યુવાનોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં મને આંખ પાસે પથ્થર વાગતા ઇજા પહોંચી હતી. લોહી નીકળતા તુરંત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉબેદઅલી અબ્બાસઅલી સૈયદને માથામાં પથ્થર વાગતા લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. આમ પથ્થરમારામાં અનેકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમજ વરઘોડામાં જોડાયેલા તોફાની ટોળાએ ઓટો રિક્ષાઓ તેમજ ઇકો કારને સળગાવી દીધી હતી. તેમજ અન્ય ટુ-વ્હીલર્સની તોડફોડ કરી હતી.

મસ્જિદ પાસે સમગ્ર ઘટના બની હતી.
ટોળા સામે ફરિયાદ
લિયાકતઅલી સૈયદે આ બનાવમાં પ્રેમ સુરેશભાઇ પરમાર, પિયુષ રાયસિંહ ગોહિલ, મનિષ રયજીભાઇ ચૌહાણ, સુરેશ ઉર્ફ ટેન્કર રામાભાઇ પઢીયાર, ધર્મેશ સુરેશભાઇ પઢીયાર સહિત 20 જેટલા લોકો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
15 તોફાનીઓની ધરપકડ
તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો દાખલ કર્યા બાદ મોડી રાતથી આજે બપોર સુધીમાં 15 લોકોની ધરપકડ કરી લીધી હતી અને અન્યની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આજે પણ પોલીસ દ્વારા સમીયાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આજે પણ સમીયાલા ગામમાં ઉત્તેજનાત્મક માહોલ રહ્યો હતો.