અમદાવાદએક કલાક પહેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS બસ છેલ્લા કેટલાય વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને અત્યારે રૂ. 3,870 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. AMTS સંસ્થા દ્વારા ખાનગી બસ ઓપરેટર કોન્ટ્રાક્ટરોને બસની આવકની બેથી ત્રણ ગણી કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આવક 169.73 કરોડ અને 270 કરોડની ખોટ
છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી બસોની કોન્ટ્રાક્ટરોને 536.67 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે તેની સામે બસની આવક રૂ. 169.73 કરોડની જ આવક થઈ છે. આમ બસોને 270 કરોડ જેટલી રકમની ખોટ થઈ છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થયો છે. કોન્ટ્રાક્ટરોની બસો ચાલતી હોવા છતાં પણ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે ત્યારે તે પેનલ્ટી વસૂલવાની માંગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસની AMTS ફ્રી ચલાવવાની માગ
વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS જનતાની સેવા માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીના માનીતા કોન્ટ્રાક્ટરો માટે થઈ ચલાવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી બસોની છેલ્લા ત્રણ વર્ષની આવકના આંકડા અને તેની સામે કેટલી ચૂકવણી કરવામાં આવી તેની માહિતીમાં ઘટસ્ફોટ થયો છે કે, રૂ. 270 કરોડ રૂપિયાની જંગી ખોટ AMTSને થઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા AMTS ફ્રી ચલાવવાની માંગ કરી રહી છે, ત્યારે ભાજપના સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને ડબલ ચૂકવણી કરી રહ્યું છે. જે સ્પષ્ટ જણાય છે કે ભાજપ તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે થઈ અને બસ ચલાવવામાં આવે છે.
ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલ કરી નુકસાનની ભરપાઇ કરો
વિપક્ષ તરીકે માંગણી કરાઈ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી ઓપરેટરોને ડીઝલ, પેટ્રોલ અને સીએનજી આધારીત જે બસો ચલાવવા માટે આપવામાં આવી હતી. એએમટીએસને થયેલા 270 કરોડ રૂપિયાના આર્થિક નુકસાનની ભરપાઇ આ ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલ કરીને અથવા તો બસ સંચાલન માટે તેમને આપવામાં આવતા પેમેન્ટમાંથી સંસથાને થયેલા આર્થિક નુકસાનને સરભર કરવામાં આવે. નવી બસોની ખરીદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ એએમટીએસને આર્થિક નુકસાન સહન કરવું પડતુ હોય તો આનાથી કોઇ મોટી શરમજનક બાબત ભાજપના સત્તાધીશો માટે કોઇ હોઇ ન શકે.
ખરીદેલી નવી બસો ઓપરેટરોને ચલાવવા માટે પધરાવી
AMTS સંસ્થા દ્વારા વિવિધ ગ્રાન્ટ હેડ હેઠળ જે નવી બસોની ખરીદી કરવામાં આવે છે, તે સીએનજી આધારીત હોય છે. એએમટીએસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 31 ડીસેમ્બર 2022 સુધીમાં 175 જેટલી બસ ખરીદવામાં આવી હતી . વર્ષ 2016-17 તથા 2017-18માં 8 મીની બસ અને 75 મીડી બસ ખરીદવામાં આવી અને 31 ડીસેમ્બર 2022 સુધીમાં 92 મીડી બસ ખરીદવામાં આવી હતી. આ તમામ બસો ભાજપના મળતીયા માનીતા ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે પધરાવી દેવામાં આવી છે.
50 ખરીદી નથી ને 100 ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત
AMC દ્વારા શહેરમાં વધતા જતા પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ત્રણ વર્ષ અગાઉ ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જીંગ પોલિસીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. AMTS જેવી સંસ્થા પાસે પોતાની માલિકીની કે ખાનગી ઓપરેટરોની એક પણ ઇલેકટ્રીક બસ હાલમાં નથી. વર્ષ 2021-22ના એએમટીએસના બજેટમાં 50 જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. જે કાગળ ઉપર રહ્યા છતા વર્ષ 2023-24ના એએમટીએસના બજેટમાં ફરી એક વખત 100 જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.