અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન રાજ્ય સરકારે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. સરકારે દ્વારા કરવામાં આવેલા કામોની પણ જાણકારી આપવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ પર થતા અત્યાચાર નાથી ગુનેગારોને કડક સજા આપવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. મહિલાઓને સુરક્ષા માટે આત્મનિર્ભર બનાવવા સુરક્ષાસેતુ યોજના હેઠળ મહિલાઓને તાલીમ બદ્ધ કરાય છે. આ સાથે રાજ્યમાં મહિલા વિરુદ્ધ ગુનાઓના માર્ગદર્શન માટે 181 હેલ્પલાઈન, સાયબર ગુનાઓ માટે 1930 હેલ્પલાઈન કાર્યરત કરાઈ છે. તો જમીન દબાણ અંગે ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સુરત-નવસારી જિલ્લામાં ઝીંગા ઉછેર માટે ફાળવેલ જમીન કરતાં વધારાની જમીન પર દબાણ કરી કોઈ ઝીંગા ફાર્મ ચાલતા નથી.
ગુનેગારોને કડક સજા થાય એ માટે રાજ્ય સરકારે મક્કમઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજનના પરિણામે મહિલાઓ ઉપર થતા અત્યાચારને નાથીને ગુનેગારોને કડક સજા થાય એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કરાયું છે. જેના પરિણામે રાજયમાં છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મહિલાઓ પર થતા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે.
મહિલાઓના રક્ષણ માટે 181 અભયમ હેલ્પલાઇન
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષાસેતુ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પોલીસ પ્રજાનો મિત્ર બને અને નાગરિકો તથા પોલીસ વચ્ચે સંવાદ થઈ સામાજિક સમરસતા કેળવાય એ માટે સઘન પ્રયાસો હાથ ધરાય છે. મહિલા સુરક્ષા ધ્યાને લઈને મહિલાઓને ઘરમાં તથા ઘર બહાર જાય ત્યારે તેને સુરક્ષા મળી રહે એ માટે મહિલા સ્વયં સક્ષમ બને એ જરૂરી હોઈ સુરક્ષા સેતુ યોજના હેઠળ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને કાયદાકીય હક્કો અંગે, કામના સ્થળે થતી જાતીય સતામણી, ડોમેસ્ટિક વાયોલેન્સ સામે કેવી રીતે રક્ષણ મેળવું એ અગે તાલીમ અને માર્ગદર્શન આ યોજના હેઠળ આપવામાં આવે છે. આ માટે રાજ્યમાં મહિલા સંરક્ષણ અને મહિલા વિરુદ્ધ ગુનાઓ ન થાય એ માટેનું વાતાવરણ ઊભું થાય એવા પ્રયાસો પણ હાથ ધરાય છે. રાજ્યમાં મહિલાઓને ગુનાઓ સામે રક્ષણ મળી રહે “181” અભયમ હેલ્પલાઇન તથા સાયબર ગુનાઓના રક્ષણ માટે 1930 સાયબર બુલીન હેલ્પલાઇન કાર્યરત કરાઇ છે. સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 14,76,171 મહિલાઓને તાલીમબધ્ધ કરાઈ છે.
5 હજાર બાળકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી અપાઈ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓને સંરક્ષણ તાલીમ ઉપરાંત હસ્તકલા કામગીરી, સાયબર ક્રાઈમ સુરક્ષા અંગેની તાલીમ પણ અપાય છે. આ યોજના હેઠળ મહિલાઓ ઉપરાંત બાળકો-વૃદ્ધોને પણ સંરક્ષણ આપવા માટેના પ્રયાસો હાથ ધરાય છે. બાળકોને પોલીસનો ડર દૂર થાય અને પોલીસ પ્રજાનો મિત્ર બનેએ આશયથી રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના કાર્યરત છે. જેમાં રાજ્યમાં બાર જેટલા સુરક્ષા રથ કાર્યરત છે. જેના દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ 99,575 બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઈ છે અને 5,10,236 બાળકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી અપાઈ છે. આ ઉપરાંત બાળકોએ આવનારા સમયનું ભાવિ છે ત્યારે તેઓમાં જાગૃતિ આવે એ આશયથી વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન તેમજ સ્વચ્છ મિશન અંગેની પણ તાલીમ પણ આપવામાં આવે છે.
પાટણ જિલ્લામાં 2115 ચો.મી. જમીનનું સંપાદન
તેમણે ઉમેર્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત 11,290 મહિલાઓને તેમજ ખેડા જિલ્લામાં 4756 મહિલાઓને તાલીમ પૂરી પાડવામાં આવી છે. વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લામાં રેલ્વે લાઈન માટે જમીન સંપાદન કરવાની કામગીરી અંગે સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કટોસણ-બેચરાજી-ચાણસ્મા-રણુજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન માટે મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 31-12-2022ની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં 22,792 ચો.મી. જમીનનું અને પાટણ જિલ્લામાં 2115 ચો.મી. જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.
7 ખેડૂતોને કુલ 4,87,443 રૂપિયા વળતર ચૂકવાયું
મંત્રી રાજપૂતે પેટા પ્રશ્નોના જવાબમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન સામે 21 ખેડૂતોને કુલ 2,03,12,173 રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લામાં જમીન સંપાદન સામે 7 ખેડૂતોને કુલ 4,87,443 રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે.
શાળામાં 248 ખેલાડીઓએ યોજનાનો લાભ લીધો
રમતગમત બાબતે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત સંબંધિત રમતના કોચ દ્વારા સઘન તાલીમ આપી ખેલાડીઓની પ્રતિભાને વધુ ઉજાગર કરવાનો પ્રયાસ રમત-ગમત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સ્પોર્ટ સંકુલ યોજના અંતર્ગત ખેલાડીઓને મળેલા લાભ અંતર્ગત રમત ગમત મંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષા યોજના અંતર્ગત એક શાળા આવેલ છે. આ શાળામાં 248 ખેલાડીઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના અંતર્ગત બે વર્ષમાં ખેલાડીઓ પાછળ કેટલો ખર્ચ થયેલ છે તે સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રૂપિયા 4,13,12,053 ખર્ચ કરવામાં આવ્યો છે.
પ્રત્યેક ખેલાડી પાછળ રૂપિયા 1.68 લાખ ખર્ચ
સંકુલ યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નામાંકિત શાળાઓમાં અને મેદાનો ઉપલબ્ધ હોય તેવી શાળાઓમાં પીપીપી મોડેલથી આ યોજના 2013-14માં શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેલાડીઓને પ્રતિભાવવંત કોચ તાલીમ આપવામાં આવેલ છે. ખેલાડીઓ પાછળ કરવામાં આવતા ખર્ચ સંદર્ભે મંત્રીએ જણાવ્યું છે. પ્રત્યેક ખેલાડી પાછળ રૂપિયા 1.68 લાખ ખર્ચ કરવામાં આવે છે.
જિલ્લામાં ફાળવેલ જમીન સિવાય ક્યાંય દબાણ નથીઃ ઉદ્યોગમંત્રી
ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું છે કે સુરત – નવસારી જિલ્લામાં ઝીંગા ઉછેર માટે ફાળવેલ જમીન કરતાં વધારાની જમીન પર દબાણ કરી કોઈ ઝીંગા ફાર્મ ચાલતા નથી. સુરત અને નવસારી જિલ્લામાં 31/01/23ની સ્થિતિએ બે વર્ષમાં ઝીંગા ઉછેર માટે ફાળવેલ જમીનના પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં બે સંસ્થાને 10 હેકટર જમીન ફાળવવામાં આવી છે. નવસારી અને સુરત જિલ્લામાં ઝીંગા ઉછેર માટે ફાળવેલ જમીન કરતાં વધુ દબાણ કરાયેલ જમીનના ઉતરમાં મંત્રીએ જણાવ્યું કે, આવી કોઈ જમીન પર દબાણ કરવામાં આવ્યું નથી.
જૂનાગઢમાં તાલુકા વિકાસ અધિકારીની એક પણ જગ્યા ખાલી નથી
વિધાનસભા ગૃહમાં જૂનાગઢ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવા સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પંચાયત મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્યમાં પારદર્શક ભરતી પ્રક્રિયા કરીને તબક્કાવાર તમામ વિભાગોનું ખાલી રહેલું મહેકમ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે તા.31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની કુલ 9 જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી તમામ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીની એક પણ ખાલી જગ્યા નથી.