રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

આરોપીને જેતપુર પોલીસના હવાલે કરાયો.
બે વર્ષ પહેલા જેતપુરના યુવક સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન 3.23 લાખની માલમતા ઓળવી ગઈ હતી. આ ગુનામાં મદદગારી કરનાર નાસતા ફરતા આરોપીની એલસીબીએ ધરપકડ કરી જેતપુર પોલીસના હવાલે કર્યો છે.
2021માં લગ્ન કરાવી પૈસા પડાવ્યા હતા
જેતપુરમાં સામાકાંઠા ચામુંડા ચોકમાં રહેતા ધીરૂ પૂના ભડકની એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી જેતપુર પોલીસ હવાલે કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બે વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસની તપાસમાં બે વર્ષ પહેલા જેતપુર રહેતા યુવકના લગ્ન થતા ન હોય આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરું રચી પૈસા પડાવવાના ઈરાદે યુવકને શીશામાં ઉતારી 2021ના લુંટેરી દુલ્હન સાથે તેના લગ્ન કરાવી પૈસા પડાવ્યા હતા.
5 શખસની ગેંગ સામે ફરિયાદ નોંધાઈ હતી
ત્યારબાદ લૂંટેરી દુલ્હન ઘરમાંથી બે લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી 3.23 લાખની માલમતા ઉસેડી નાસી ગઈ હતી. આ અંગે 5 શખ્સની ગેંગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ પોલીસે લૂંટેરી દુલ્હન સહિતના 5 શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસની પૂછપરછમાં મદદગારી કરવા અંગે આરોપી ધીરૂભાઈ પૂનાભાઈ ભડકનું નામ પુછ્યું હતું. પરંતુ આરોપી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ મહેશ જાની, નિલેશ ડાંગર, દિવ્યેશ સુવા, વિરાજભાઈ ધાંધલ સહિતના સ્ટાફે કરી હતી.
પોકેટકોપ એપની મદદથી બાઇકચોર ઝડપાયો
આજીડેમ પોલીસે પોકેટકોપ એપની મદદથી એક શખસની ધરપકડ કરી હતી. પોલીસે 30 હજારની કિંમતનું બાઇક ચોરનાર સાહિલ ઉર્ફે બારોટ રમેશ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે સાહિલ વિરૂદ્ધ બાઇક ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહિલ અગાઉ ચાર વખત અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
આજીડેમ પોલીસે બાઇકચોરને ઝડપ્યો
આજીડેમ પોલીસને બાતમી મળી હતી કે, જડેશ્વર વેલનાથ ખોખડદડ નદીના બ્રિજ નીચે એક શખસ ચોરીના બાઇક સાથે પસાર થઈ રહ્યો છે. આથી પોલીસ ત્યાં પહોંચતા આરોપી સતીષ સવજીભાઈ મકવાણાને બાઇક સાથે પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા સતીષે બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. સતીષ અગાઉ અલગ અલગ 4 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

વિદેશી દારૂની 151 બોટલ સાથે શખસ ઝડપાયો
ગોંડલ હાઇવે રોડ પર નૂરાનીપરા પાસે કલ્યાણ બોડી વર્કસ પાછળ શેરીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 151 બોટલ સાથે એક શખસની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી નુરમહમદ ઓસમાણ દલને વિદેશી દારૂના આ જથ્થા સાથે ઝડપી લીધો હતો.