આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક
આણંદ તાલુકાના રામનગર ગામના મહાદેવ મંદિર પાસે આવેલી બ્રહ્મપોળમાં રહેતા પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. આ તસ્કરોએ નકુચો તોડી ઘરના પ્રવેશીને તિજોરીના પણ નકુચા તોડીને અંદરથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ 3.88 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
રામનગરમાં રહેતા કેયુર નવીનચંદ્ર ત્રિવેદી પોતાના પરિવાર સાથે રામનગરમાં બ્રહ્મપોળમાં રહે છે અને કર્મકાંડ તેમજ ખેતી કરીને જીવન ગુજારે છે. તેમનું બીજુ મકાન આણંદ – ચિખોદરા રોડ પર આવેલી તપોભૂમિ સોસાયટીમાં આવેલું છે. ગત તા.21મીના રોજ દંપતિ આણંદ સ્થિત મકાને રહેવા માટે આવ્યા હતા. જ્યારે તેમના માતા – પિતા પણ 26મી તારીખના રોજ રામનગરના મકાનને તાળુ મારીને આણંદના મકાનમાં રહેવા માટે આવ્યા હતા.
આ દરમિયાનમાં રાત્રિના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડની જાળીનો નકુચો તોડી નાંખીને અંદર પ્રવેશ્યા હતા. બાદમાં નીચેના રૂમની બે લોખંડની તિજોરી તેમજ ઉપલા માળે આવેલી બે તિજોરીના નકુચા તોડી નાંખીને અંદર મુકેલા સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂ.23 હજાર મળી કુલ રૂ.3.88 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. સવારે પડોશી દીપીકાબહેને તેમને ફોન કરીને તમારા ઘરની જાળી ખુલ્લી છે, તમે ઘરમાં છો તેમ પુછતા કેયુરભાઈએ અમે આણંદ છીએ. તેમ કહેતા જ ચોરી થયાની શંકા જતા તેઓ પોતાની બા સાથે રામનગર આવી પહોંચ્યાં હતાં અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. આ ઘટનાની જાણ વાસદ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી અને કેયુરભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.