રાજકોટ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
અમરેલીના લીલીયા ગામે ઉમિયા મંદિર પાસે રહેતાં અને અમરેલીમાં મધ્યસ્થ સહકારી બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતાં વિશાલ કાળુભાઇ ધામત (ઉ.વ.31)ની ફરિયાદ પરથી રાજકોટ નવલનગરના વિશાલ જયેન્દ્રભાઇ ચૌહાણ, હિમાંશુ જયેન્દ્રભાઇ ચૌહાણ અને કિશન જગદીશભાઇ સંખલપરા વિરૂધધ આઇપીસી 384, 506 (2), 507, 114, મનીલેન્ડ એક્ટ હેઠળ અને ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તને રૂપિયા આપશે
વિશાલે જણાવ્યું છે કે, મારા મોટા ભાઇ અમદાવાદ રહે છે. મારા પિતાજી ખેતી કામ કરે છે. વર્ષ 2013 થી 2020 સુધી હું રાજકોટમાં મોબાઇલ ટાવર રીપેરીંગનું કામ કરતો હતો. ત્યારે મારા પાર્ટનર સંજય ભાલારા હતા. તે વખતે અમે મવડી ચોકડી મહિરાજ હોટલ પાસે બેઠક ધરાવતાં હતાં. રોજ પાન ફાકી ખાવા ભેગા થતાં હોઇ હોટલવાળા વિમલ ડાંગર મારા મિત્ર હોઇ તેના થકી હિમાંશુ ચૌહાણ અને વિશાલ ચૌહાણ સાથે ઓળખાણ થઇ હતી. 2018 માં મારે મોબાઇલ ટાવરના કામ માટે રૂપિયાની જરૂર પડતાં મહિરાજ હોટલવાળા વિમલ ડાંગરને વાત કરતાં તેણે કહેલું કે આપણા મિત્ર વિશાલ ચૌહાણ અને તેનો ભાઇ હિમાંશુ તને રૂપિયા આપશે.
ફોર્મમાં સહી કરાવી
ત્યારબાદ વિશાલને મેં ફોન કરી ધંધાના કામ માટે રૂ. 4 લાખ જોઇએ છે તેમ કહેતાં તેણે વ્યવસ્થા કરી આપશે પણ તેના બદલામાં કંઇક વસ્તુ આપવી પડશે તેમ કહેતાં મેં હા પાડી હતી. ત્યારબાદ બધા મિત્રોની હાજરીમાં વિશાલ અને હિમાંશુને બોલાવી મેં મારી i20 કાર જીજે.03.જેએલ.5564 આપી હતી તેણે મને આઇસીઆઇસીઆઇ બેંકના બબ્બે લાખના બે ચેક આપ્યા હતાં અને મારી પાસે ટીટીઓ ફોર્મમાં સહી કરાવી લીધી હતી. તેમજ 4 લાખનું વ્યાજ 3 ટકા લેખે આપવાનું થશે તેમ કહી જો વ્યાજ ભરવામાં મોડુ થશે તો રોજના રૂ. 500 પેનલ્ટી લાગુ પડશે તેમ જણાવતાં મેં મારી કાર ગીરવે મુકી હતી ચાર લાખ લીધા હતાં.
કંટાળીને અમરેલી જતો રહ્યો
ત્યાર પછી મેં 2018 થી 2021 સુધી દર મહિને વિશાલ ચૌહાણને રૂ. 12000 લેખે વ્યાજ આપ્યું હતું. આ રીતે મેં ઓનલાઇન રૂ. 3.44 લાખ ભરી દીધા હતાં. તેમજ મારા ભાઇ રાકેશભાઇએ પણ રૂ. 1.19 લાખ ભરતાં કુલ મળી મેં તેને 4 લાખની સામે 7.51 લાખ રૂપિયા ભરી દીધા હોવા છતાં વિશાલ 2019 થી 2020 સુધી જ્યાં રસ્તામાં મળે ત્યાં મારી પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ મારા ભાઇ રાકેશભાઇના અમદાવાદ શાખાના બે ચેક સહી કરેલા હોઇ તે તથા મારુ ઓરીજીનલ પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ લઇ જઇ કિશન સંખલપરાએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કેસ કર્યો હતો. વિશાલ ચૌહાણ રૂપિયાની ઉઘરાણી કરવા મારા પિતા, ભાઇના ફોનમાં રાતે ફોન કરી ઉઘરાણી કરી હેરાન કરતો હોઇ હું કંટાળીને 2020 માં અમરેલી રહેવા જતો રહ્યો હતો.
કાર પણ વેંચી નાખી
આમ મેં 4 લાખ સામે બંને ભાઇઓને 7.50 લાખ આપી દીધા હોવા છતાં તેણે મારી ગીરવે મુકેલી i-20 કાર પણ વેંચી નાખી હતી. તેમજ કિશને મારા ચેક બેંકમાં નાખી ચેક રિટર્નની ફરિયાદ કરી ઉઘરાણી કરી ધમકીઓ ત્રણેયે ચાલુ રાખતાં અતે ફરિયાદ કરવી પડી હતી. હાલ માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.