મહિસાગર (લુણાવાડા)25 મિનિટ પહેલા
- કૉપી લિંક
આપણા આંગણાનું પક્ષી ગણાતાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ચકલીઓના સંરક્ષણ તથા રહેઠાણને સુરક્ષિત રાખવા અને ઇકોલોજીકલ સિસ્ટમ સંતુલિત રાખવા આપણે ચકલીઓની વધુ જરૂર છે. ત્યારે આજે મહીસાગર વનવિભાગ અને મહીસાગર એડવેન્ચર & નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસે 4000થી વધુ ચકલીના માળાના વિતરણનું આયોજન કર્યું હતું.
વનવિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના મિત્રો દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચકલીના માળા, ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અવરજવર કરતા લોકોને ચકલીઘર આપી ચકલીના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરી હતી. ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ, સંવર્ધન માટે ચકલીઘર મૂકવાની અતિ જરૂરિયાત છે. ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતું નથી અને ચકલી માળો બનાવતી પણ નથી.
ત્યારે આ કૃત્રિમ ચકલીઘર મૂકી ચકલીને બચાવી શકાય છે. નેચર ફાઉન્ડેશન પ્રમુખ મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી દર વર્ષે બે હજારથી વધુ કૃત્રિમ માળાનું વિતરણ કરીએ છીએ. ચકલીઓ આ માળામાં આવન જાવન કરતી થઈ છે. તે જોઈ પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી અનુભવાય છે. આ કૃત્રિમ ચકલીઘરના સારા પરિણામો મળ્યા છે. લોકો વન વિભાગ અને નેચર ક્લબના નંબર પર ફોટા પણ મોકલે છે અને તેનાથી આજે છઠ્ઠા વર્ષે પણ 4000થી વધુ ચકલીઘર વિતરણ કરી વિશ્વચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે.
લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતતા અને પ્રેમ વધ્યો છે. તો આવો મિત્રો આપડે બધા સહભાગી બનીને આ નાનકડા જીવનું રક્ષણ કરી તેનું અસ્તિત્વ બની રહે તેવો પ્રયત્ન કરીએ અને ચકલીને વારસા રૂપે બચાવી આવનારી પેઢીને સમર્પિત કરીએ તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.