પાટણ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
જગતનો નાથ ખેડૂતની મહેનતકશ વિવિધ જણસોના વ્યાજબીભાવ મળી રહે તે માટે રાજય સરકારે વિવિધ પાકોનાં ટેકાના ભાવો જાહેર કર્યા છે ત્યારે પાટણ જિલ્લાના વઢીયાળ પંથકમાં ખેડૂતો દ્વારા પકવવામાં આવતા ચણા અને રાયડાના પાક માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના યોગ્ય ભાવ મળી રહે તે માટે જીલ્લાના નવ તાલુકાઓમાં પીએસએસ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આજથી જીલ્લાના સેન્ટરો પર ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાટણ જીલ્લો મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર આધારીત છે. જીલ્લાનો વઢીયાળ પંથક ચણાના ઉત્પાદન માટે અગ્રેસર રહયો છે. આ વિસ્તારમાં ચણાનું મબલખ વાવેતર થયું છે. જયારે સમી અને શંખેશ્વર વિસ્તારમાં ખેડૂતોએ સૌથી વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચણામાં મણદીઠ 1167 ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જયારે રાયડામાં મણદીઠ 1090 રુપિયા ભાવ નકકી કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 11475 ખેડૂતોએ ચણા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સમીના બાબરીજુથ સેવા મંડળીમાં 11 ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે જેમાં એક ખેડૂત દીઠ સવાસો મણ એટલે કે 1775 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.