અમદાવાદ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી મંદિરમાં ભગવાનના માથે રહેલ છત્રની ચોરીની કેટલીક ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઇ હતી. ચોર ભગવાનના ઘરે ચોરી કરી યુવક છત્ર વેચીને તે પૈસામાંથી મોજશોખ કરતો હતો. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં થલતેજના મેલડી માતાના મંદિરમાંથી છત્રની ચોરી થઈ હતી. બનાવમાં પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. સીસીટીવીમાં એક યુવક મંદિરમાં આવીને દર્શન કરીને આસપાસ કોઈ ના હોય તો ભગવાનના માથે રહેલ છત્ર તોડીને ચોરી કરીને લઈ જતો દેખાય છે. સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે બાગબન ચાર રસ્તા પાસેથી જીગર દેસાઈ નામના યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જીગર શીલજ પાસે ઔડાના મકાનમાં રહે છે. આરોપી પાસેથી પોલીસે 3 છત્ર કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે માત્ર 7 ધોરણ સુધી ભણેલો છે અને મોજશોખ માટે ચોરી કરતો હતો. તેને થલતેજ, સાતેજ, મહેસાણા, સોલા, કડી સહિતનાં અલગ અલગ 7 મંદિરોમાંથી અનેક છત્ર ચોરી કરી છે. આરોપી ચોરીનો માલ કડીના હીરા-માણેક ચેમ્બરના સોનાના વેપારી કેતન સોનીને છત્ર વેચી દેતો હતો.
પોલીસે ચોરીના માલ સાથે કેતન સોનીની પણ ધરપકડ કરી છે. કેતન સોની પાસેથી કુલ 40 અને જીગર પાસેથી 3 એમ કુલ 43 ચોરીની છત્ર પોલીસે કબજે કરી છે. બંને આરોપીઓની ધરપકડથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના અલગ અલગ 7 ચોરીના ભેદ ઉકેલાયો છે. બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.