અરવલ્લી (મોડાસા)43 મિનિટ પહેલા
કોઈપણ સમાજ હોય સમૂહ લગ્નો દ્વારા સામાજિક સંગઠન મજબૂત બને છે. સામાજિક એકતા જળવાઈ રહે છે અને સમાન રિતીરીવાજ સાથે એક બીજાનો માન મોભો પણ જળવાઈ રહે છે. સરકાર દ્વારા પણ દીકરીઓને લાભો અપાતાં હોય છે. ત્યારે આજે બાયડ તાલુકા ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નો યોજાયા હતા.

ઠાકોર સમાજ વિશાળ સમુદાયમાં છે અને અરવલ્લી જિલ્લામાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી બાયડ તાલુકામાં છે. ત્યારે આજે બાયડ તાલુકાના ચોઈલા ગામે આવેલી દીપેશ્વરી હાઈસ્કૂલમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નો યોજાયા હતા. જેમાં સમાજના કુલ 9 નવ દંપત્તીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સામાજિક રીત રિવાજ મુજબ ભૂદેવોના વૈદિક મંત્રો વડે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા હતા.

સામાજિક અગ્રણીઓએ નવ દંપત્તીને આશીર્વાદ આપ્યા હતા. સમારંભમાં પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા અને તાલુકા ભાજપ પ્રમુખ માનસિંઘ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમાજના યુવાનોને વ્યસન મુક્ત બની ખૂબ સારો અભ્યાસ કરી પ્રગતિ કરવા આહવાન કર્યું અને સમાજની દીકરીઓને સંરક્ષણ ક્ષેત્રે અને અન્ય વિભાગમાં કેળવણી ક્ષેત્રે આગળ આવવા અપિલ કરી હતી.