વડોદરા39 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોલીસ કમિશનરે મૂળ માલિકને કાર પરત કરી હતી.
ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારોબાર ગીરવે મૂકી દેવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાંચે બે આરોપી પાસેથી 6 કરોડની કિંમતની 90 કાર રિકવર કરી હતી. વડોદરા પોલીસે કોર્ટમાંથી પરમિશન લઈને 6 કરોડની કિંમતની 90 કાર મૂળ માલિકોને પરત કરી હતી. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર સમશેરસિંગ હાજર રહ્યા હતા અને વડોદરા ક્રાઇમ બ્રાંચની કામગીરને બિરદાવી હતી.
આજે લોકોને ગાડીઓ પરત કરી
વડોદરા શહેર પોલીસ કમિશનર સમશેરસિંગે જણાવ્યું હતું કે, 120 નાગરિકો પાસેથી 120 ગાડીઓ છેતરપિંડી કરીને માસિક ભાડા પર ગાડીઓ લીધી હતી અને આ ગાડીઓ જુનાગઢ, સુરત અને મધ્ય પ્રદેશ સહિતના સ્થળોએ ગીરવે મૂકીને રૂપિયા લીધા હતા. લોકોએ લોન પર ગાડીઓ લઈને બંનેને આપી હતી. શરૂઆતમાં રૂપિયા આપ્યા હતા. જોકે, પાછળથી રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું. લોકોની ગાડીઓ પાછી ન મળતા લોકો હતાશ થઈ ગયા હતા. અમે 90 ગાડીઓ રિકવર કરી છે અને 30 ગાડીઓ રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. કોર્ટમાં પરમિશન લઈને આજે લોકોને ગાડીઓ પરત કરી છે.
પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી
આરોપી મનિષ હરસોરા હરિદ્વારથી પકડાયો હતો અને દીપક રૈયાણી સુરતથી પકડાયો હતો. અન્ય કોઈએ ગુનામાં મદદગારી કરી હશે તેઓની સામે પણ કાર્યવાહી કરીશું. વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇતિહાસમાં એક પહેલો કેસ છે કે, જેમાં 8 કરોડની ગાડીઓ ગુમ થઈ હતી અને તેમાંથી 6 કરોડની ગાડીઓ અમે રિકવર કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે ખૂબ સરસ કામગીરી કરી છે. હું ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપું છું. નાગરિકોને અમારી અપીલ છે કે, કોઈને પણ તમે ગાડી આપો, તો વેરીફાઇ કરીને જ ગાડી આપો. તેમની પાસે લાઇસન્સ છે કે નહીં તે ખાસ ચકાશો.
કાર ભાડે મુકી અને ઉંચું ભાડું મેળવવાની લાલચ આપી હતી
વિવિધ કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચ આપી મોટી સંખ્યામાં કાર લઇને ગઠિયા ફરાર થઈ ગયા હતા. પાણીગેટ પોલીસ મથકે આરોપીઓએ છેતરપિંડીથી કાર્સ લઈને ગુમ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા શહેરના ડભોઈ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં રત્નદીપ ગ્રીન સોસાયટીમાં રહેતાં મનીશ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવા માટેની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. તેણે ઓફિસે એવું પણ બોર્ડ મુકયું હતું કે, કાર ભાડે મુકી અને ઉંચું ભાડું મેળવો.
અનેક કાર માલિકો અટવાઈ ગયા
આ ઉપરાંત પોતાની એજન્સીમાં કાર ભાડે મુકનારાઓ દ્વારા માર્કેટિંગ કર્યું હતું. થોડા મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવ્યું હતું. જોકે, મોટાભાગના કાર માલિકોને ભાડું ચુકવવાનું બંધ થતાં હરસોરાનું કારસ્તાન સપાટી પર આવ્યું હતું. ઓફિસ અને ઘર બંધ કરીને મનીષ હરસોરા ગાયબ થઇ જતાં અનેક કાર માલિકો અટવાઈ ગયા હતા.
વડોદરા ક્રાઇમ બ્રાંચે 90 કાર શોધી નાખી
હરસોરાને કાર ભાડે આપનારાઓએ પોલીસ ભવન પહોંચીને દેખાવો કરીને આવેદન આપ્યું હતું. જેના પગલે પાણીગેટ પોલીસ મથકે 120 કાર પાછી નથી મળી તે અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. વડોદરાના મનીશ હરસોરા અને સુરતના દિપક રૈયાણીની ધરપકડ કરી હતી અને પહેલા 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પછી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચે 90 કાર શોધી નાખી હતી. આરોપીઓએ અર્ટિંગા, સ્વીફ્ટ, બલેનો, ઇક્કો, બ્રેઝા, વેગનઆર, સેલેરીયો, એસ-પ્રેસો, એસ-ક્રોષ, હ્યુન્ડાઈ, આઇ-20, આઇ-10, વેન્યુ અને ટોયોટો કંપનીની કાર્સ
સુરત, મહેસાણા અને મહારાષ્ટ્રમાં ગિરવે આપી દીધી હતી.
હરસોરા સુરતના દીપક રૈયાણીને કાર મોકલતો
વડોદરા ક્રાઇમ બ્રાંચે મષીશ હરસોરા અને દિપક રૈયાણી સામે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં એવું સપાટી પર આવ્યું છે કે ‘ મનીષ હરસોરા વડોદરામાં કાર ભાડે લેતો હતો અને બધી કાર સુરતના કામરેજના દિપક રૈયાણીને મોકલી આપતો હતો હાલ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
કારના નિકાલ બાદ રૂપિયાના ભાગ પાડતા હતા
સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષ હરસોરાએ મોકલેલી કારનો નિકાલ કરી નાખતો હતો. કાર તે વેચી નાંખતો અથવાં ગીરો મુકી દેતો હતો અને જે રૂપિયા મળે તેમાં મનીષ હરસોરા સાથે મળીને ભાગ પાડી લેતા હતા.