અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારત ઓસ્ટ્રેલિયા મેચ પહેલાં લોકોમાં ડર ફેલાવવા માટે પ્રિરેકોર્ડેડ મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંત સિંઘ પુન્નુના અવાજમાં એવો ઉલ્લેખ હતો કે મેચના દિવસે લોકો સલામત રહેવા માંગતા હોય તો પોતાના ઘરમાં રહે. કેમ કે શિખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. આ મેસેજને લઇને એક્ટિવ બનેલી સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે મેસેજને ટ્રેસ કરીને તેને મધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહને ઝડપી લીધા હતા. પોલીસે તેમના ઘરે તપાસ કરતાં તેમની પાસેથી મેસેજ વાયરલ કરવા માટે વપરાતા 11 સિમબોક્સ અને 168 સીમ કાર્ડ કબજે લીધા હતા. નરેન્દ્ર અને રાહુલ પોતાના ઘરમાં જ બોગસ ટેલિફોન એક્સચેન્જ ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું છે કે આવા મેસેજ વાયરલ કરવાના તેમને રૂપિયા મળતા હતા.
પ્રો ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે જ આવા મેસેજને લઇને લોકોમાં ભય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીર સિંઘ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ ડીસીપી ચૈતન્ય માંડલિક અને સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયાની ટીમો કામે લાગી ગઇ હતી.
સાયબર ક્રાઇમની ટીમે બન્ને યુવાનોને મધ્ય પ્રદેશથી ઝડપી લીધા છે. હવે તેઓ આ પ્રકારના મેસેજ કેટલા સમયથી કરતા હતા અને કોના કહેવાથી કરતા હતા તેની તપાસ સાયબર ક્રાઇમ બ્રાંચના એસીપી જિતેન્દ્ર યાદવ કરી રહ્યા છે.
પ્રેમવીરસિંઘે જણાવ્યું હતું કે આ લોકોએ ગુરપતવંત સિંઘ પુન્નુના અવાજમાં પ્રિરેકોર્ડેડ મેસેજ મોટી સંખ્યામાં વાયરલ કર્યા હતા. તેમણે આવા ટ્વીટ પણ કર્યા હતા. નરેન્દ્ર અને રાહુલ છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમણે અન્ય કોઇ સંગઠન માટે પણ કામ કર્યુ હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઝડપાયેલા બન્ને યુવકો વિરૂદ્ધ અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેન્શલ એક્ટ (યુએપીએ) અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ બન્ને યુવકોને પૈસા મળતાં તેમણે સ્થાનિક વિસ્તારમાંથી સીમ બોક્સની ખરીદી કરી છે. આ બન્ને યુવાનો વોઇસ કોલ દ્વારા ગુજરાતના પ્રતિષ્ઠત લોકોને ધમકીભર્યા મેસેજ મોકલતા હતા. સામાન્ય રીતે ઇન્ટરનેશલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવા માટે VoIP નો ઉપયોગ કરવામાં આવે છે.