સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરતમાં ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાને એસ ઓ જી એ ઝડપી પાડી હતી.
સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વધુ એક બાંગ્લાદેશી મહિલાને એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. મહિલા ગેરકાયદેસર રીતે સલાબતપુરા વિસ્તારમાં રહેતી હતી. આ મહિલા પાસેથી પોલીસે આધાર કાર્ડ સહિત બાંગ્લાદેશી પાસપોર્ટ જપ્ત કર્યો છે. જોકે હાલ તો SOG પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સલાબતપુરામાંથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે હેઠળ સલાબતપુરા વિસ્તારમાં એક 65 વર્ષીય વૃદ્ધ મહિલા બાંગ્લાદેશની વતની હોવાની બાતમી SOG પોલીસને મળી હતી.બાતમીને આધારે પોલીસે સલાબતપુરા વિસ્તારમાંથી માલેકા બેગમ નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી.
મહિલા પાસેથી ભારતીય આધારકાર્ડ મળી આવ્યો
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી માલેકા બેગમ નામની મહિલાની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન પોતે સુરતની વતની હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલો આધાર કાર્ડ પણ બતાવ્યો હતો. જો કે, પોલીસે શંકા જતાં તેની સખ્ત પૂછપરછ દરમ્યાન તે ભાંગી પડી હતી અને તે 2020માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સરહદેથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું.
ભિક્ષુક મહિલાનો બાંગ્લાદેશી પાસપોર્ટ અને કોરોના વેક્સિન સર્ટિ પણ મળી આવ્યું
પોલીસની સઘન પૂછપરછમાં આ વૃદ્ધ મહિલાએ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ભિક્ષુક તરીકે જીવન ગુજારતી હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેની પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટ સહિત કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.
મહિલાની પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ
પોલીસ દ્વારા હાલ આ બાંગ્લાદેશી મહિલા દ્વારા ક્યાં અને કોની પાસેથી આધાર કાર્ડ સહિતના ભારતીય પુરાવા ઉભા કરવામાં આવ્યા છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ભિક્ષુક તરીકે બાંગ્લાદેશથી સુરત આ વૃદ્ધ મહિલા આવવા પાછળ પણ પોલીસને અનેક શંકા ઉપજાવી રહી છે. તે ઉપરાંત ભિક્ષુક હોવા છતાં તેના આધાર કાર્ડ સહિતના ભારતીય પુરાવાઓ પણ ગેરકાયદેસર તેને બનાવ્યા છે. ત્યારે સુરતમાં આ રીતે વસવાટ કરવા પાછળ તેનો કોઈ ગેર ઇરાદો રહ્યો છે કે, કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.