ગોંડલ4 કલાક પહેલા
- કૉપી લિંક
મૂળ રીબડાના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા પર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પચાસ કરોડના બદનક્ષીના દાવા અંગે ગોવિંદ સગપરીયાએ જણાવ્યું હતું કે, મેં કોઈ વિશે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો હોય તે આક્ષેપ સાચો નથી. જાહેર સભામાં રીબડાના ગ્રામ્યજનોની વેદનાને વાચા અપાઈ હતી. ગોંડલ ખાતે પત્રકારોને જણાવતા તેમણે કહ્યું કે, રીબડા મારું વતન છે. અહીંના લોકોએ ખૂબ હાલાકી અને કષ્ટ ભોગવ્યા છે. જાહેર સભામાં અન્ય વક્તાઓએ આ વાત રજૂ કરેલી જેનું મેં સમર્થન કર્યું હતું. કોઈ પણ વિશે કે કોઈ પરિવાર વિશે અપમાનજનક શબ્દ પ્રયોગ કરાયો નથી. બદનક્ષી થાય તે પ્રકારે કોઈ નિવેદનો કે ભાષણ અપાયું નથી. તેમ છતાં અનિરુદ્ધસિંહ દ્વારા મને મોકલાયેલી નોટિસ અંગે મારા વકીલ દ્વારા જવાબ અપાયો છે. મને ન્યાયતંત્રમાં પૂરો ભરોસો છે તેવું તેમણે જણાવ્યુ હતું.
પત્રકાર પરિષદમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહએ જણાવ્યું હતું કે ગોવિંદ સગપરીયા પર ખોટો દાવો કરાયો છે. અમારો પરિવાર અને પટેલ સમાજ આ મુદ્દે ગોવિંદભાઈની સાથે છે. તાજેતરમાં રીબડામાં બેરીયરની તોડફોડની ઘટનાના વાયરલ થયેલા વિડીયો અંગે પત્રકાર પરિષદમાં હાજર રહેલા રીબડાના હકા ખુંટ, મિરાજ વિરડીયા, હિરેન ખુંટ સહિતના એકત્ર યુવાનોએ કહ્યું કે રીબડાના પ્રવેશ દ્વાર પાસેના બેરીયર ખેતીકામના પાલો કે અન્ય વસ્તુ સાથેના ગાડા, ટ્રેક્ટર સહિત વાહનો માટે નડતરરુપ હતા. બેરીયર હટાવવા ગ્રામ્ય પંચાયતમાં રજૂઆતો કરાઈ હતી. પણ કોઈ ઉકેલ નહીં આવતા ગામના યુવાનો દ્વારા આ બેરીયર હટાવાયા છે. આ ઘટના કોઈ રાજકીય મુદ્દો નથી તેમ તેમણે જણાવ્યું હતું.