વડોદરા44 મિનિટ પહેલા
વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં આવેલી ભદ્ર કચેરી પાસે બાઇકચાલકની પાછળ રખડતો શ્વાન પાછળ પડ્યો હતો. જેથી ડરી ગયેલા યુવાનને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. જેથી તેને માથાના ભાગે, પાંસળીઓ અને ખભાના ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
બાઇકચાલક ઇજાગ્રસ્ત
વડોદરા શહેરમાં રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. રોજેરોજ ગાય અને કૂતરાની અડફેટે લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રખડતાં ઢોરોના કારણે અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, ત્યારે વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં કૂતરાએ પાછળ દોટ મૂકતા પરેશ જીંગર નામનો બાઇકચાલક રોડ પર પટકાયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બાઇકચાલક રોડ જૂનીગઢી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.
શ્વાન બાઇક પાછળ દોડ્યો
વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક શ્વાન બાઇકચાલકની પાછળ દોડે છે અને બાઇકચાલક એકદમ જ ગભરાઈ જાય છે અને તેને સ્પીડ બ્રેકર પણ દેખાતું નથી અને સ્પીડ બ્રેકર પરથી બાઇક કૂદતા બાઇકચાલક નીચે પટકાય છે. આ સમયે આસપાસમાં કૂતરાનાં ટોળાં પણ જોવા મળે છે.

કૂતરું પાછળ દોડતા બાઇકચાલકને સ્પીડ બ્રેકર ન દેખાયું.
ગઇકાલે ગાયની અડફેટે બે ઇજાગ્રસ્ત થયા હતા
વડોદરા શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ મેયર બદલાયા છતાં પણ યથાવત્ રહ્યો છે. નવા મેયરના માથે શહેરના નાગરિકોને રખડતાં ઢોરથી મુક્ત નિર્ભય જીવન આપવાની જવાબદારી યક્ષ પ્રશ્ન સમાન બની છે. મેયરે પણ આ વિષયને પહેલા દિવસે જ ગંભીરતાથી લીધો છે તેમ જાણ કરી હતી છતાં તેમના પદગ્રહણના બીજા જ દિવસે શનિવારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં સમા કેનાલ અભિલાષા પાસેથી પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકોને દોડતી આવેલી ગાયે અડફેટે લીધા હતા. જેમાં બાઈક સવાર યુવાન નીચે પટકાયો હતો. ગાય પણ રોડ પર પટકાતાં ત્યાંથી પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલક કનુભાઈ પ્રજાપતિને અડફેટે લેતાં તેમને પગે ઇજાઓ પહોંચી હતી.

રોડ પર પટકાતા યુવાન ઇજાગ્રસ્ત થયો.
ઇજાગ્રસ્તે 10 ટાંકા આવ્યા
વડોદરા શહેરના ગોરવા જલારામ સોસાયટી પાસે રહેતા 42 વર્ષીય કનુભાઈ પ્રજાપતિએ સયાજી હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, તેઓ એલએન્ડટી ગેસ્ટ હાઉસમાં નોકરી કરે છે, જ્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક ગાય દોડતાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અન્ય વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને જીવલેણ પરિસ્થિતિમાં મુકાવું પડે છે ત્યારે તેમની વેદનાની પ્રશાસનને ખબર પડતી નથી. રખડતાં ઢોરના માલિકો પણ પશુઓનું દૂધ કાઢી લીધા બાદ તેમને છૂટાં મૂકી દે છે. તંત્ર દ્વારા તેનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. હોસ્પિટલના તબીબો મુજબ કનુભાઈને જમણા પગે અંદાજે 10 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

રખડતાં કૂતરાઓનો ત્રાસ શહેરમાં વધી ગયો છે.
ગાયે કચડી નાખતા વૃદ્ધાનું મોત થયું હતું
9 દિવસ પહેલાં વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું કે, વૃદ્ધ મહિલા ગંગાબેન પરમાર રસ્તા પર પડી ગયેલાં છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. આ સાથે મોં દ્વારા પણ ગાયે મહિલાને ઈજાઓ પહોંચાડી રહી હતી. સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેન પરમાર મોતને ભેટ્યાં હતાં.

બાઇકચાલકની પાછળ રખડતો શ્વાન પાછળ પડ્યો હતો.
રખડતી ગાયોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ સિટીની વાતો કરતા શાસક ભાજપ વર્ષોથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યા નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.

યુવાનને માથાના ભાગે, પાંસળીઓ અને ખભાના ઇજાઓ પહોંચી હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.