દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક
બુથ સશક્તિકરણ કાર્ય પૂર્ણ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ શહેર, ભાણવડ તાલુકો તથા દ્વારકા શહેરના ત્રણ મંડળોમાં બુથ સશક્તિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આયોજનમાં આ અંગેની માહિતી આપતા જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તથા રસિક નકુમે જણાવ્યું હતું. હાલ જિલ્લાના દસેય મંડળોમાં બુથ સશક્તિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે પૈકી આ ત્રણ મંડળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વિવિધ બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
હાલ 30 મીટરનો રોડ થશે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવરીયા ગામથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ સુધી રૂપિયા 1,100 કરોડના ખર્ચે નવા ફોરલેન સીસી રોડનું કામ આશરે ત્રણ વર્ષ પૂર્વે શરૂ થયું હતું, જે મહદ અંશે થઈ ચૂક્યું છે. આ રોડ વચ્ચે ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના પાટીયા પાસેથી લીંબડી-હરિયાવડ ગામ વચ્ચે 6 કિલોમીટરની એર સ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રતિકાત્મક તસવીર
પરંતુ કોઈ કારણોસર આ રસ્તાનું કામ ટલ્લે ચડ્યું હતું. નવા બની ગયેલા આખા ફોરલેન સીસી રોડ વચ્ચે આ છ કી.મી.નો પટ્ટો ખૂબ જ જર્જરિત બની રહ્યો છે. અત્યંત ખાડા-ખોબચાવાળા રસ્તાથી વાહન ચાલકોને થતી વ્યાપક હાલાકી અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વગેરેને કરવામાં આવેલી રજૂઆતો બાદ તંત્ર દ્વારા આ રસ્તાને 30 મીટર પહોળાઈનો નવેસરથી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી દેવામાં આવ્યું છે.
એર સ્ટ્રીપનો રસ્તો કે જે 60 મીટરનો બનવાનો હતો, તે હાલ જમીન સંપાદનના કારણે 30 મીટરનો બનશે અને કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આગામી સમયમાં સંપૂર્ણ 60 મીટરનો બનાવવામાં આવશે. હાલ ખખડધજ રસ્તાથી વાહન ચાલકોને મુક્તિ મળશે. આ અંગેની બેઠક અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે પણ યોજાઈ હતી.