13 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં ફરજ બજાવતા ડીસીપી પોતાની ઓફિસમાં હાજર હતા. ત્યારે અચાનક એક કંટ્રોલ મેસેજ તરફથી તેમને વર્દી મળી કે બધાએ તાત્કાલિક પોલીસ કમિશનર કચેરી હાજર થવું પડશે. કંઈક થવાનું છે અથવા કંઈક મોટું હોવાની શંકાના આધારે તમામ ડીસીપી પોલીસ કમિશનર કચેરી હાજર થઈ ગયા હતા. ત્યાં સુધી તેમને ખબર ન હતી કે શું કરવાનું છે? અને શું થઈ રહ્યું છે?
તેઓ ત્યાં પહોંચ્યા ત્યાર બાદ તેમને વધુ એક મેસેજ મળ્યો અને તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ પર જવાનું કહેવામાં આવ્યું હતું. જેલની અંદર શું ગોરખધંધા ચાલે છે તેનો પર્દાફાશ કરવા માટે મોટી સંખ્યામાં જેલ સ્ટાફ સિવાય કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેલમાંથી જે શંકા હતી તેમ થયું ગાંજો અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળવા લાગી હતી.
સાબરમતી જેલ તંત્ર અજાણ હતું કે થોડીવારમાં કંઈ થશે?
અમદાવાદ સહિત અલગ અલગ જેલમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. શહેર પોલીસ અને જેલ તંત્ર રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. કોઈને જરા પણ ખબર ન હતી કે, થોડીવારમાં શું થવાનું છે? રાતના 9 વાગ્યાના અરસામાં પોલીસ અધિકારીઓને એક સત્તાવાર મેસેજ મળ્યો. બધાએ તાત્કાલિક પોલીસ કમિશનર કચેરી હાજર થઈ જવું પડશે અને આ એકદમ સિક્રેટ વાત રહેવી જોઈએ. જે અધિકારી જ્યાં હતા, ત્યાંથી પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા. કોઈને કશી ખબર ન હતી કે હવે શું કરવાનું છે? અને ક્યાં જવાનું છે? પણ કશુંક થવાનું છે એટલો અણસાર આવી ગયો હતો.
પોલીસનો કાફલો જેલનો ખૂણેખૂણે પહોંચી વળ્યો
બધા અધિકારીઓ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઓપરેશન કરવાનું છે અને કોઈપણ વસ્તુ પ્રતિબંધિત હોય તેને કબજે લઈને કાર્યવાહી કરવાની હતી. કોઈપણ ગોરખધંધાના જેલની અંદર ચાલતા હોય તો તેની સ્પષ્ટ કાર્યવાહી કરવાની છે અને આ બધાની સાથે એક એડિશનલ પોલીસ કમિશનર, પાંચ ડીસીપી, 6 એસીપી અને 96 કોન્સ્ટેબલ જેલમાં ઘૂસ્યા હતા. તેઓ દરેક દરેક ખૂણો તપાસી રહ્યા હતા અને આ દરમિયાન જેલમાં એક જગ્યાએથી પડીકાં મળ્યા હતા, જેમાં ગાંજો હતો તેની સાથે બીજી જગ્યાએથી બીડી તમાકુ પણ મળી આવ્યા હતા.
બોડીવોર્ન કેમેરા સાથે જેલમાં સર્ચ થયું
આખા રાજ્યની જેલમાં એક સાથે પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને જેલમાં સર્ચ કરી રહ્યા હતા. આખી રાત ચાલેલા સર્ચ બાદ પોલીસે જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસી હતી તે શોધી કાઢી હતી.આ સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીને જાણ કરીને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
CM ડેશબોર્ડથી મુખ્યમંત્રી અને ત્રિનેત્ર ખાતેથી સંઘવીએ મોનિટરિંગ કર્યુ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકિંગનું નિરિક્ષણ કર્યું હતું. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનિટરિંગ કર્યુ હતું.
સુરત અને અમદાવાદ જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 17 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત સામગ્રી મળી આવ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો જેમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિમાં કુલ 55,101 રૂપિયા રોકડા ઝડપાયા છે. 01 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં 49,801 અને 01 ફેબ્રુઆરી 2022થી 31જાન્યુઆરી 2023 સુધીમાં 5300 રોકડા રૂપિયા ઝડપવામાં આવ્યા છે. 93 અધિકારીઓને ક્ષતિ મુજબ ઇજાફા અટકાવવાની/ અજમાઈસી સમય લંબાવવાની/ ઠપકો આપવા જેવી શિક્ષા કરવામાં આવી છે.
કેટલી વસ્તુઓ ઝડપાઇ?
શું પકડાયું? | વર્ષ 2021-22 | વર્ષ 2022-23 |
મોબાઈલ | 28 | 40 |
સીમકાર્ડ | 11 | 21 |
બેટરી | 15 | 29 |
ચાર્જર | 10 | 48 |
ડેટા કેબલ | 0 | 2 |
ધ્રૂમપાન | 1629 | 1980 |
રેઝર | 48 | 28 |
ચલણી નાણું | 49,801 | 5300 |