રાજકોટ29 મિનિટ પહેલા
રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શું શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં આજે શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો હતો.
રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કાર મળી
સ્થાનિકોએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કાર પસાર થઈ રહી હતી. જેને નિહાળીને સ્થાનિકોને શંકા ઊપજી હતી. જેથી કારને અટકાવતા તેમાં ગાડીમાં કોઈ અધિકારી હાજર ન હતા માત્ર ચાલક દારૂના નશામાં મળી આવ્યો હતો. અને તેમાં તપાસ કરતાં દારૂની બોટલ પણ મળી હતી. જેથી તુરંત સ્થાનિકોએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
કારમાં દારૂની બોટલ પણ મળી હતી
ગાંધીગ્રામ પોલીસે કલ્પેશની અટકાયત કરી
કલ્પેશ શા માટે ગાડી લઈને નીકળ્યો
જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે કલ્પેશ રત્નાભાઈ મોરી નામના ચાલકની અટકાયત કરી હતી. એ સમયે પણ કલ્પેશ દારૂના નશામાં હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કલ્પેશ આઉટ સોર્સીંગ એજન્સીનો કર્મચારી છે. ત્યારે આજે રવિવારની રજામાં રૂડાના એડિશનલ કલેક્ટરની નેમ પ્લેટ સાથે ગાડી લઇ કલ્પેશ શા માટે નીકળ્યો તે પણ એક સવાલ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શીતલ પાર્ક ચોક નજીક કાર પસાર થઈ રહી હતી
રાત્રીના એક યુવતી સહિત 65 શખસો પીધેલી હાલતમાં ઝડપાયા
નોંધનીય છે કે આજથી 20 દિવસ પહેલાં રાત્રીના સમયે અચાનક પોલીસ ચેકિંગ ડ્રાઈવમાં નીકળી હતી. જેમાં ACP, PI અને PSI સહિત 100થી વધુ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા નવ જેટલી ટીમો બનાવી રેસકોર્સ, કોટેચા ચોક, ઈન્દિરા સર્કલ, રૈયા સર્કલ, સોરઠિયાવાડી, ચુનારાવાડ ચોક, કટારિયા ચોકડી, મવડી ચોક સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના નશાની હાલતમાં એક યુવતી સહિત 65 શખસોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં જ્યારે ધોકા-છરી લઈને ‘સીન’ જમાવવા નીકળેલા ચારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
ખુદ વરરાજા નશામાં ધૂત હતા
શહેરમાં 24 દિવસ પહેલાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ખુદ વરરાજા ‘પીલે પીલે ઓ મોરે રાજા’ ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમતા જોવા મળ્યા હતા અને તેના મિત્રો પણ વરરાજાને ખભા પર ઉઠાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. એના આધારે લોધિકા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ચેકિંગ દરમિયાન 65 શખસો પીધેલી હાલતમાં ઝડપાયા
4 કરોડથી વધુના દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું
રાજકોટ શહેર પોલીસે વર્ષ 2022-23 દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજ રોજ નામદાર કોર્ટના આદેશ મુજબ સોખડા નજીક કુલ રૂપિયા 4.94 કરોડના આ વિદેશી દારૂના જથ્થા ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને લઈને અનેક પ્યાસાઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જોકે વર્ષ 2022-23 દરમિયાન રાજકોટ શહેર પોલીસ પર દારૂની ખેપ મારવાનો આક્ષેપ પણ લાગી ચૂક્યો છે. જે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
લગ્નમાં ખુદ વરરાજા દારૂની બોટલ સાથે નાચ્યા હતા
દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોખડા ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કરોડો રૂપિયા ના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વર્ષ 2022-23 દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ઝોન 1 અને ઝોન 2 ટીમ દ્વારા રૂપિયા 4.94 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ સોખડા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મેજિસ્ટ્રેટની હાજરીમાં બુલડોઝર ફેરવી આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
બુલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
કુલ રૂપિયા 4.94 કરોડનો વિદેશી દારૂનો જથ્થો
સમગ્ર મામલે એસીપી સજ્જનસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા દસેક મહિનામાં રાજકોટનાં જુદાં-જુદાં 12 પોલીસ મથકો તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા કરોડોના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં નશાબંધી અને આબકારી જકાત વિભાગના અધિકારીઓ તેમજ ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓની હાજરીમાં કુલ 12 પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચ મળીને દ્વારા કરાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં ઝોન-1 355 કેસની 81 હજાર બોટલો કિ. 2.81 કરોડ, ઝોન-2 286 કેસની 16116 બોટલો કિ. રૂ. 53.79 લાખ અને ક્રાઈમ બ્રાન્ચના 192 કેસની 42,778 બોટલો કિ. રૂ. 1.59 કરોડ મળી કુલ 833 કેસોની 1.40 લાખ બોટલ સહિત રૂ. 4.94 કરોડના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.