સુરત40 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતના મેયર હેમાલી બોઘાવાલા.
સુરત મહાનગરપાલિકાની રખડતા શ્વાન માટે કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અલથાણ ગામમાં બાળકી પર શ્વાનના હુમલાની ઘટના બાદ તંત્ર દ્વારા દસ જેટલા શ્વાનને ઝડપી પાડ્યા છે. ત્યારે મેયરે શ્વાનની આક્રમકતાને લઈને નિવેદન આપ્યું હતું કે, શ્વાનમાં ડાયબિટિસનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના જ કારણે વધુ આક્રમક બની રહ્યા છે.
શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલાયા
શ્વાનના હુમલાને લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ બાદ જાગેલા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. ખસીકરણ અને રસીકરણની કામગીરી કરતી પાલિકાની ટીમ દ્વારા શ્વાનોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારબાદ શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલી આપવામાં આવે છે.
શ્વાન પકડાવાની કેપેસિટી વધારી
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે, તેને જોતા તંત્ર ખૂબ જ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે. ડોગ માટેના પાંજરાઓ પણ વધારી દેવામાં આવ્યા છે. શ્વાન પકડાવાની કેપેસિટી વધારી મેડિકલની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરતમાં રખડતા ડોગ માટે એક સ્પેશિયલ ડોક્ટરોની ટીમ પણ બનાવવામાં આવી છે.
બાળકો પર હુમલા દુઃખદ બાબત
વધુમાં જણાવ્યું હતું કે, શ્વાનમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શ્વાન વધુ આક્રમક બની રહ્યા છે, તેની પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. જેને લઈ બાળકો પર આ રીતે હુમલો કરી રહ્યા છે જે દુઃખદ બાબત છે. સુરતમાં બાળકો પર શ્વાનના હુમલાની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો
મહત્વનું છે કે, સુરતમાં રખડતા શ્વાનનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. છતાં તંત્ર સ્વાનના આતંકને અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. શહેરમાં હમણાં સુધી શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
તબીબોની સ્પેશિયલ ટીમ મેદાનમાં
શહેરમાં શ્વાનના વધતા હુમલા પાછળ મેયરે ડાયાબિટીઝ સહિતના અન્ય કારણો જવાબદાર ગણાવ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલ તો શ્વાનના વધુ આક્રમક બનવા પાછળનું કારણ જાણવા તબીબોની સ્પેશિયલ ટિમ મેદાનમાં ઉતારવામાં આવી છે. જે ટીમ દ્વારા શ્વાનના હુમલા પાછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે.