- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- If The Company Of The Brother Of The Former Corporator Of BJP Earns Crores, He Will Pay An Increase Of Only One Lakh Rupees To The Corporation Every Year
અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

કાંકરિયામાં છેલ્લા 6 વર્ષથી બંધ પડેલા જલધારા વોટરપાર્કને ફરી શરૂ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. કાંકરિયા લેક્ફ્રન્ટ પાસે આવેલો જલધારા વોટરપાર્ક 10000 ચોરસ મીટરથી વધુની જગ્યામાં ફેલાયેલો છે અને આ જમીનની કિંમત કરોડો રૂપિયા થાય છે. ત્યારે આ જલધારા વોટરપાર્કને ભાડેથી ચલાવવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ભૂતકાળમાં સંચાલન કરનાર ભાજપના જ પૂર્વ કોર્પોરેટરના ભાઈને આપવા માટેની જે વિવાદાસ્પદ દરખાસ્ત મુકવામાં આવી છે. તેમાં જે વાર્ષિક લાયસન્સ ફી રૂ. 35 લાખની નક્કી કરવામાં આવી છે જે કરોડોની જગ્યાને ચલાવવા માટે આપી અને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરવા કંપનીને આપી દેવાની પેરવી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની માલિકીની ઘણી બધી જગ્યાઓ છે જેને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પર આપી અને ચલાવવા બદલ વાર્ષિક ફી તેની પાસેથી લેવામાં આવે છે. જેમાં પાર્કિંગની હોય તો 20થી 30 લાખ રૂપિયા હોય છે તો આટલી કરોડો રૂપિયાની જમીન ઉપર બનાવવામાં આવેલા આ જલધારા વોટરપાર્કના ટેન્ડરમાં કાંકરિયાના ઝુ વિભાગના ડાયરેક્ટર આર કે સાહુ દ્વારા વાર્ષિક લાયસન્સ ફી નક્કી કરવામાં આવી છે તે મુજબ રોજના માત્ર 9722 રૂપિયા જ ભાડું આ જલધારા વોટરપાર્કનું કોન્ટ્રાક્ટર ને આપવાનું રહે તેટલી જ ફી નક્કી કરાઈ છે. સામાન્ય રીતે અન્ય કોઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ આપવાનો હોય તો 10 ટકા જેટલું વાર્ષિક ફી માં વધારો કરવામાં આવતો હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટમાં માત્ર ત્રણ ટકા જ વધારો મૂકવામાં આવ્યો એટલે વાર્ષિક ફી ની લાઇસન્સ ની ગણતરી મુજબ માત્ર એક લાખ રૂપિયા દર વર્ષે વધારો આપવાનો રહેશે.
સૂત્રો મુજબ આ જલધારા વોટરપાર્કને ચલાવવા માટે થઈ અને જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. તેમાં જે લાયસન્સ ફી માં કોન્ટ્રાક્ટર દર વર્ષે કરોડો રૂપિયા કમાય અને કોર્પોરેશનને ત્રણ ટકા લેખે માત્ર એક લાખ રૂપિયા વધારો ચૂકવે તે કેટલા અંશે યોગ્ય છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ને આટલો ફાયદો કરાવવા માટે થઈ તેમને જ કોન્ટ્રાક્ટ મળે તેવી વિવાદાસ્પદ આ દરખાસ્તને મુકાતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
કાંકરિયા જલધારા વોટરપાર્કને રીનોવેશન અને ફરીથી ચલાવવા માટે થઈ ઝુ વિભાગના ડાયરેક્ટર દ્વારા સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફરીથી કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જેનો કોન્ટ્રાક્ટ કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સ ચલાવવાનો છે અને વર્ષ 2019માં જે રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. તેમાં આ જ કંપનીના સંચાલક અને તેના પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કંપનીની બેદરકારીના કારણે બે નિર્દોષ નાગરિકના જીવ ગયા હતા ત્યારે ફરીથી જ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે. જે કંપનીએ રાઇડ્સ ચલાવવામાં બેદરકારી દાખવી હોય અને તેને બેદરકારી બદલ જેલમાં મોકલવો પડ્યો હોય ત્યારે આવી કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવા ભાજપના સત્તાધીશોનો મોટો હાથ છે.
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ભાજપના અમરાવાડી વોર્ડના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની છે. ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ પટેલ સામે વર્ષ 2019માં કાંકરીયા રાઈડ્સની દુર્ઘટનામાં મામલે બેદરકારી દાખવવા બદલ મણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ પટેલ સહિત ચાર લોકોની મણીનગર પોલીસે ધરપકડ પણ કરી હતી.
કાંકરિયા વિસ્તારમાં આવેલા જલધારા વોટરપાર્કને રીનોવેશન તેમજ ચલાવવા માટેના ટેન્ડર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફન વર્લ્ડ એન્ડ રિસોર્ટસ અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા બીડ ભરવામાં આવી હતી. ફન વર્લ્ડ એન્ડ રિસોર્ટસ દ્વારા રૂ. 30.70 લાખ અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 32.90 લાખની બીડ ભરવામાં આવી હતી. ટેન્ડરની શરતો મુજબ છ મહિનામાં રિનોવેશન કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે રૂ. 35 લાખની વાર્ષિક લાયસન્સ તેમાં દર વર્ષે 3 ટકા વધારા સાથે ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કોન્ટ્રાક્ટ ને લેવા માટે ડેપ્યુટી કમિશનર દ્વારા રૂપિયા એક લાખ અને કમિશનર દ્વારા તેમાં પણ વધારો સૂચન કરતા કુલ રૂપિયા 35 લાખની વાર્ષિક લાયસન્સ આપવાની દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે.