કચ્છ (ભુજ )17 મિનિટ પહેલા
ભુજ શહેરમાં ગટર સમસ્યા હવે કાબુ બહાર બની ગઈ હોય તેમ સમયાંતરે એક બાદ એક વિસ્તારમાં દૂષિત પાણી માર્ગ પર ઉભરાઈ આવે છે. બે દાયકા જૂની ગટર લાઈન બદલવાની વાત વચ્ચે આજે શહેરના છઠ્ઠીબારી જેવા ધંધાકીય વિસ્તારમાં ગટરના પાણી ચડી આવ્યા હતા. દુર્ગંધ મારતા પાણી સવારથીજ જાહેર રસ્તાઓ પર રેલાઈ આવતા દુકાનદારો માટે વેપાર કરવો મુશ્કેલ બન્યો હતો. તો લોકોને પસાર થવામાં પણ પરેશાની ભોગવવી પડી હતી. એક તરફ વરસાદી માહોલના કારણે વાઇરલ બીમારીએ માથું ઊંચક્યું છે તો બીજી તરફ રોગચાળો ફેલાવે તેવા ગટરના પાણી પોષ વિસ્તારોમાં રેલાઈ રહ્યા છે. જે ક્યાંકને ક્યાંક લોકોના આરોગ્ય માટે જોખમી પુરવાર થઇ શકે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા યોગ્ય નિવારણ હાથ ધરાય એવી માગ ઉઠી છે.
શહેરના છઠ્ઠી બારી ખાતે ઓફીસ ધરાવતા પ્રફુલસિંહ જાડેજાએ નારાજગી સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર ગટરની સમસ્યા સર્જાય છે. આ પહેલા અનેક વખત નગરપાલિકામાં પ્રશ્નના ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં હજુ સુધી કોઈજ નિવારણ આવી શક્યું નથી. આ પરિસ્થિતિમાં વેપાર વહીવટ ચલાવવા મુશ્કેલ બની જાય છે. તેમણે સુધરાઈ સામે આક્ષેપ કર્યો હતો કે માત્ર નિતનવા વેરા વસૂલી પૈસા ભેગા કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.
પાલિકાના જવાબદાર અધિકારીઓનું આ મામલે અગાઉ ધ્યાન દોર્યું છે. પરંતુ કોઈ દાદ મળી નથી. અહીંના નગરસેવક અને પ્રમુખ ફોન ઉપડતા નથી. અમારી માગ છે કે માથાના દુખાવા સમાન ગટર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે. અલબત્ત છઠ્ઠી બારી જેવા વેપાર ધંધાથી ધમધમતા વિસ્તારમાં પસાર થતી ગટર લાઈનમાંથી દૂષિત પાણી જાહેર માર્ગે રેલાઈ આવતા રાહદારીઓ ખરીદ કરતી વેળાએ પરેશાન જોવા મળ્યા હતા.