સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક
હિંમતનગરના કાંકણોલ નજીક આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે રવિવારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ નિહાળવામાં પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો અને હોદ્દેદારો મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સભાખંડ ખાતે જિલ્લાવાસીઓ વચ્ચે બેસીને વડાપ્રધાનની ‘મન કી બાત’ સાંભળી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, સાસંદ દીપસિહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલ પટેલ, આઈટી સેલના પ્રદેશના કન્વીનર સિધાર્થ પટેલ હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેન ગોર, તેમજ અગ્રણીઓ સાથે જોડાયા હતા.
હિંમતનગરમાં સ્વામીનારાયણ મંદિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા બાદ સ્વાગત પૂર્ણ થયા બાદ સભાખંડમાં આવી પહોંચતા ઉપસ્થિત સૌએ ભારત માતાના જયઘોષથી સ્વાગત કર્યું હતું. મન કી બાતના 99માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, દીવ દમણમાં સોલાર થકી પેદા થતી સ્વચ્છ ઊર્જા વિષે વાત કરી દેશ માટે દેશ માટે પ્રેરણા આપતું કાર્ય ગણાવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, 17થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં મા શારદાના નવનિર્મિત મંદીર અંગે વિસ્તૃત વાત કરી હતી.
કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શન કરી સંતોના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી અને આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની ઉત્તરોતર પ્રગતિ અને ગુજરાતની જનતાને સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે કામના કરી.
આ અવસરે રાજકીય આગેવાનો સહિત જિલ્લા કલેક્ટર હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દીપેન શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી.