સાબરકાંઠા (હિંમતનગર)34 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ ગામની નજીક આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાંકરોલ ગામે પહોંચી ગ્રામજનો વચ્ચે ‘ચાય પે ચર્ચા’ કરી હતી.
હિંમતનગરના કાંકરોલ ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને 17 મિનીટનું રોકાણ કરીને ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ‘ચાય પે ચર્ચા’ કરી હતી. ભૂપેન્દ્ર પટેલ ગામમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. ગામના પૂર્વ સરપંચ જયેશભાઈ પટેલના ઘરે પહોંચ્યા હતા. ગામના લોકોએ મુખ્યમંત્રીને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, તળાવ ભરવા, કમોસામી વરસાદને પગલે થયેલા પાક નુકસાનનું ગ્રામીણ સ્તરે સર્વે કરી વળતર આપવા અંગે જણાવ્યું હતું. વધુમાં કાંકણોલ ગામને શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત વિસ્તારમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. ગામના ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જમીનના સેટેલાઇટ સર્વે કરતા ટીમો દ્વારા સ્થાનિક સર્વે કરી ગામની જમીનમાં યોગ્ય જગ્યાએ રસ્તાના ઉપયોગ માટે જમીન મળે તે માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત ગામમાં પાણી શુદ્ધિકરણ માટે વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી હતી.
કાંકણોલ ગામના લોકો સાથે વાર્તાલાપ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગામમાં કોઈપણ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ મને જણાવી શકો છો. ગામના લોકોને સરકારીની તમામ યોજનાઓનો લાભ મળે છે કે નહીં તે અંગે ખાતરી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના વિકાસ કાર્ય કરવામાં આવે છે તેમાં ગ્રામીણ લોકોનું હિત સમાયેલું હોય છે. ગ્રામહિતના દરેક કામોમાં યોગ્ય ગુણવત્તાની જાળવણી કરવામાં આવશે. તો મુખ્યમંત્રીને કમોસમી વરસાદને લઈને થયેલ નુકસાનીનો સર્વે તાલુકાને બદલે ગ્રામ્ય સ્તરે કરવાની રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પણ તે દિશામાં હવે સરકાર કામ કરશે અને ગ્રામ્ય કક્ષાએ સર્વે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગામના યુવાનોને લહેકામાં પૂછ્યું હતું કે શું થયું ? શું ભણો છો ? બોલો બોલો કહીને તેમની પાસે પહોંચી વાત કરી હતી. ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થયા હતા.