અમદાવાદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક સાથે કામ કરતા મિત્રો વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. તહેવાર દરમિયાન મિત્રો એકબીજા સાથે મસ્તી કરતા હતા પણ થોડી જ વારમાં આ મસ્તી ઝઘડામાં બદલાઈ ગઈ હતી. તે સમયે તો બંને છૂટા પડ્યા પણ સાંજના સમયે અદાવત રાખીને મિત્ર ફરી ફેક્ટરીમાં આવ્યો અને બીજા મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મજાક મસ્તીમાં એક નિર્દોષે જીવ ગુમાવ્યો
સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. ત્યારે અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારની ફેક્ટરીમાં પણ મજૂરો આ તહેવારની મજા માણી રહ્યા હતા. એકબીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. તે દરમિયાન મજાક મસ્તીએ ગંભીર રૂપ ધારણ કર્યું અને એક નિર્દોષે તેનો જીવ ગુમાવવો પડે છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાયનેમિક ડાયસ પ્લોટ પાસે આવેલી ફેક્ટરીમાં કારીગરો કામ કરતા હતા.
ફેક્ટરીમાં બે કારીગરો વચ્ચે ઝઘડો
ધુળેટીના દિવસે અન્ય કારીગરોની જેમ આ ફેક્ટરીના કારીગરો પણ તહેવાર હોવાના કારણે એકબીજા સાથે મજાક મસ્તી કરતા હતા. આ ફેક્ટરીમાં કામ કરતા દિપક નાયક અને કનુ નાયક વચ્ચે ઝઘડો થયો હતો. બંને એકબીજા પર ઉશ્કેરાયેલા હતા. ત્યારે ફેક્ટરીમાં અન્ય લોકો વચ્ચે પડી તેમને છૂટા પાડ્યા હતા.
લાકડું ઉપાડી દિપકને ફટકા માર્યા
જોકે, આ બનાવ બાદ સાંજના સમયે કનુ નાયક ફરીથી ફેક્ટરીમાં આવ્યો હતો અને દિપકને કહેતો હતો કે તું મારી સાથે કેમ ઝઘડો કરે છે અને તે સમયે નજીકમાં પડેલું લાકડું હાથમાં ઉપાડીને તેણે દિપકને ફટકા માર્યા હતા. જો કે, આ બનાવને પગલે આસપાસના અન્ય લોકો દોડી આવતા કનુ નાયક ત્યાંથી ભાગી ગયો હતો.
ગંભીર ઇજા થતા મોઢામાંથી લોહી
બીજી તરફ દિપકને ગંભીર ઇજા થતા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે સારવાર માટે દિપકને લઇ જવા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ દિપકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હાલ તો હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.