રાજકોટએક કલાક પહેલા
હોલિકા દહન પૂર્વે વરસાદનું વિઘ્ન
ગુજરાતમાં માવઠાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ જિલ્લામાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યાં શહેરના કાલાવડ રોડ અને લક્ષ્મીનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે હોલિકા દહન પૂર્વે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. ત્યારે શહેરના જંકશન વિસ્તારમાં હોલિકા દહનનું આયોજન કરનાર ગ્રુપ દ્વારા તાલપત્રીથી હોળી ઢાંકવામાં આવી હતી. જયારે પડધરીમાં કમોસમી વરસાદથી ચણાના પાથરા પલળ્યા હતા.

હોલિકા દહન થાય એ પૂર્વે શહેરમાં વરસાદ થયો શરૂ
મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતો નિરાશ
હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે અને ખેડૂતો લલણીમાં વ્યસ્ત છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોને જાણે આખા વર્ષની કમાણી તણાઇ રહી હોય તેવો ભાસ થતો હતો. હાલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો હતો.

પડધરીમાં કમોસમી વરસાદથી ચણાના પાથરા પલળ્યા
હોળી આયોજકોની ચિંતા વધી
ગાજવીજ સાથે પવનની ગતિ પણ વધી છે. કાળા ડિબાંગ વાદળોએ શહેરને ઘેરી લીધું છે. ઉનાળાની શરૂઆતમાં જ આવું વાતાવરણ જોવા મળતા શહેરીજનો આશ્ચર્યમાં ગરકાવ થયા છે. આજે હોળી છે ત્યારે શહેરના અનેક ચોકમાં છાણા ગોઠવી દેવાયા છે જે વરસાદના કારણે પલળી ગયા છે. જો હજુ રાત્રે પણ વરસાદ પડે તો હોળી આયોજકોની ચિંતા વધી.

કાલાવડ રોડ અને લક્ષ્મીનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો
અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટ શહેરમાં સાંજ પડતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો.પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં કાલાવડ રોડ પર મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

વરસાદી ઝાપટાં પડ્યાં હતાં
બુધવાર સુધી માવઠાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પણ કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આથી બુધવાર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
વરસાદ વરસતા જ ફીડર બંધ
નોંધનીય છે કે રવિવારે પણ રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજીબાજુ રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતા જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ગુલ થઇ ગઈ હતી.

બુધવાર સુધી માવઠાની આગાહી કરવામાં
ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો
રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.