સતત ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં પાણી જ પાણી, ક્યાંક કરા તો ક્યાંક નદીઓમાં પૂર, ખેડૂતોના હાલ બેહાલ | Kutch receives rain with hail for third consecutive day, raising farmers' worries | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )2 મિનિટ પહેલા

હવામાન વિભાગની આગાહીને લઇ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ રહ્યો છે. ગઇકાલે પાટણ, પાલનપુર, ગાંધીનગર, દાહોદ, વલસાડ, નવસારી, સુરત, જામનગર અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી વાતાવરણ બરાબર રહ્યું હતું. જોકે, બપોર બાદ અમરેલી અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક કરા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.

કચ્છમાં કરા સાથે જોરદાર વરસાદ
કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અંજાર તાલુકાના વરસામેડી અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે આકાશમાંથી બરફના કરા સાથે જોરદાર વરસાદ ત્રાટકયો હતો. તો નજીકના ગાંધીધામમાં માવઠું થયું હતું. કચ્છમાં હાલ સર્જાયેલા વિષમ હવામાનના પગલે માહોલ શુસ્ક બની ગયો છે. તો માવઠાના કારણે કેરી, દાડમ અને ઇશબગુલના પાકમાં વ્યાપાકપણે નુકશાન પહોંચ્યું છે. તો શરદી ખાંસી જેવી સીઝનલ બીમારીમાં પણ ખૂબજ મોટો વધારો થયાનું જાણવા મળ્યું છે. જ્યારે ભચાઉના કાંઠા વિસ્તારના જંગી અને આસપાસના વિસ્તારમાં એક કલાકથી વધુ સમય કરા સાથે વરસાદ પડતાં અંદાજિત 1 ઇંચ જેટલુ પાણી પડી ગયાનું લઘુમતી સેલના પ્રમુખ શેરમમાંદે જણાવ્યું હતું. જ્યારે આદિપુર અને અંજારના ભીમાસર, સત્તાપરમાં પણ કરા સાથે ભારે વરસાદ શરૂ થયો છે.

અમરેલીમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી બપોર બાદ વરસાદ આવી રહ્યો છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે ફરી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જાફરાબાદ તાલુકાના ટીબી આસપાસ ગામડામાં કરા સાથે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે. અહીં લોર, પીંછડી, ફાસરીયા, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભાડા, વડલી સહિત ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. સાથે રાજુલા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો રાજુલાના ગ્રામ્ય વિસ્તાર માંડરડી, ડુંગર, કુંભારીયા, ધારેશ્વર અને ઝાપોદર સહિત ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

સાવરકુંડલામાં પાણી ફરી વળ્યા
બીજી તરફ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા વિજપડી, છાપરી, ચીખલી, ખડસલી સહિત ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે વિજપડી સહિત ગામડામાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તો બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાબરા શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા, પીર ખીજડિયા, ભિલા, ચમારડી અને વલારડી સહિતના મોટભાગના ગામડાંઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઇકાલે કચ્છમાં કરા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાથે બનાસકાંઠા, માંડલ, હિંમતનગર અને ધાનેરામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાટણમાં બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. આગળના વાંચીએ છેલ્લા ત્રણ દિવસમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદ પડ્યો અને હજી કેટલા દિવસ વરસાદ પડશે.

કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત કમોસમી વરસાદે જનજીવનને પ્રભાવિત કરતા આડઅસર ઉભી થઇ રહી છે. ગઈકાલે ભુજમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદથી આસપાસના વાડી વિસ્તારોમાં કેસર કેરીના પાકમાં વ્યાપક નુકશાન પહોંચ્યું છે. જેના કારણે આ વર્ષે કેસરના ભાવમાં વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે. માંડવીના ગઢશીશા અને અંજારના ખેડોઈ વિસ્તારમાં પણ કેરીના પાકમાં હાનિ થયાનું જાણવા મળ્યું છે. તો ગઈકાલે ખડીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ થતાં અંદાજિત 300થી 400 એકરમાં કરાયેલા ઇસબગુલના વાવેતરમાં મોટા ભાગનો પાક નિષફળ ગયો છે. જેના કારણે ખેડૂત વર્ગને અસહ્ય આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હોવાનું ધોળાવીરાના સરપંચ જીલ્લુભા સોઢાએ કહ્યું હતું.

પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા

પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા

પાટણમાં વિદ્યાર્થીઓ ફસાયા
શનિવારે ખાબકેલા વરસાદના કારણે પાટણ શહેરમાં બી.એમ. હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે, પાટનગર પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને જાણ કરાતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા. તો પાટણ શહેરના રેલવે ગનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો હતો.

ફાગણમાં અષાઢ જેવો માહોલ.

ફાગણમાં અષાઢ જેવો માહોલ.

દાહોદમાં અડધો ડઝન જગ્યાએ વીજળી પડી
દાહોદ જિલ્લામાં શુક્રવારે સર્વત્ર કમોકસમી વરસાદની સાથે અડધો ડઝન જગ્યાએ વીજળી પડતા બે વ્યક્તિઓ અને 9 મુંગા પશુઓના મોત પણ નીપજ્યાં હતાં. શનિવારે પણ ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સાથે પંથકમાં કરા પડતા ભર ઉનાળે ચોમાસુ જામ્યું હતું. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યુ છે.

કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી.

કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી.

ધરમપુર અને કપરાડામાં ધોધમાર
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં શનિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોને ગરમીમાં રાહત અનુભાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ખેતીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.

બનાસકાંઠામાં ખેડૂતોની ચિંતા વધી
આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, ઘઉં રાયડો એરંડા જીરું બટાકા સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઇ રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં તો વીજળી પડતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અરવલ્લી જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. જે વિગતે વાંચીએ નીચેના ફકરામાં…

શુક્રવારે અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેતીવાડીમાં વધારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામે ખેડૂતો ખેતરમાં ઘઉં કાઢવાની તૈયારીમાં હતા. ત્યાં એકાએક વરસાદ તૂટી પડતા વાઢેલા ઘઉં સંપૂર્ણ પલળી ગયા હતા. ગામ આસપાસની નદીઓ પણ બે કાંઠે વહી હતી. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતીમાં ખાસ ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી ઘેટાં-બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય આધેડનું મોત થતા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.

વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.

સમગ્ર રસ્તો બરફની ચાદરથી ઢંકાયો
મોડાસાના વણીયાદ પંથકમાં શુક્રવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. ધોધમાર વરસાદ પડતાં વણીયાદ-મોડાસા માર્ગ જાણે કાશ્મીર બની ગયું હોય તેમ રસ્તા પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શિમલા-કુલુ મનાલીને પણ ફિક્કુ પાડે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.

કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.

કવાંટમાં વરસાદે ધબધબાટી બોલાવી
છોટા ઉદેપુર જિલ્લામાં શુક્રવારે સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે કરા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્વાંટના નાની ટોકરી, ચિચબા, કસરવાવ, આમસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સમલવાંટ ગામે જોરદાર કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.

સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.

સંતરામપુરમાં ભર ઉનાળે ચોમાસો જામ્યો
મહીસાગર જિલ્લાના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે એકાએક આકાશમાં કાળા વાદળો છવાયા બાદ જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંદાજીત 20થી 30 મિનિટ જેટલા સમય સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સંતરામપુર ગ્રામ્ય પંથકમાં હાલ રવિ પાકની કાપણી ચાલી રહી છે. તેવામાં કાપણીના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત.

ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત.

વીજળી પડતાં બાઇક સવારનું મોત
ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે દાઝી જતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…