પાટણ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
શ્રીમંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણ દ્વારા આયોજિત સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારઘી પરિવારના સૌજન્યથી ‘મને જાણો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પહેલા ભાગમાં લેખક-કવિ શ્રી પ્રેમાનંદ દ્વારા લખાયેલ પુસ્તક આખ્યાન ઓખાહરણ ઉપર વક્તા ડો. પારસ ખમાર દ્વારા ઝીણવટપૂર્વક સુંદર રીતે કાવ્યાત્મક સ્વરૂપના વર્ણનનું વિવેચન કરવામાં આવ્યું હતું.
કવિ પ્રેમાનંદ દ્વારા કરવામાં આવેલા ઓખાહરણ વિષયમાં સૌ પ્રથમ ગણપતિ, માતાજી, મહાદેવની સ્તુતિ કરી વાર્તાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ બાણાસુરની વાર્તા વિસ્તાર પૂર્વક આલેખવામાં આવેલી છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ રચનાનાં મુખ્ય પાત્રો ઓખા અને ચિત્રલેખાની વાત રસપૂર્વક રજૂ કરવામાં આવી હતી. આ જ ઓખાહરણનો બાકીનો વાર્તાનો ભાગ આવતાં રવિવારે સાંજે, રજુ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ડો. શૈલેશ સોમપુરા દ્વારા વકતા અને સૌ શ્રોતાજનોનું સ્વાગત કરવામાં આવેલ અને જયેશભાઈ એમ. વ્યાસ દ્વારા ડો. પારસ ખમારનો પરિચય આપવામાં આવ્યો હતો. આ પ્રવચન સત્રમાં શ્રીમતી ઈલાબેન વ્યાસ, મમતાબેન ખમાર, ડો. શરદભાઈ બી. પટેલ, સુનિલભાઈ પાગેશ્વર, કાન્તિભાઈ સુથાર, કનુભાઈ પટેલ, પ્રકાશભાઈ રાવલ, દિનેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ ઠક્કર, હર્ષદભાઈ મોદી, કર્દમભાઈ મોદી, વાસુભાઈ ઠક્કર, રાજેશભાઈ પરીખ, સહિત સુજ્ઞ શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની, આભારવિધી સુરેશભાઈ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી.