અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલા દંપતીને રખડતા ઢોરે લેતા તેઓના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. દિવ્યભાસ્કરે શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રખડતા ઢોરો અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં ન્યુ રાણીપ વિસ્તારમાં જ્યારે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા બાલમુકુંદ હોસ્પિટલ પાસે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પહોંચી ત્યારે સાબરમતી વિસ્તારના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, રાણીપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક રાઉન્ડમાં નીકળ્યા હતા. તેઓ શુકન હોમ્સ સોસાયટીમાં લોકો સાથે વાત કરી રહ્યા હતા અને તે સોસાયટીની બહાર જ બે રખડતાં પશુઓ જોવા મળ્યા હતા. જે સોસાયટીઓમાં ધારાસભ્ય અને કોર્પોરેટરો ડાઉન લેવા નીકળ્યા હતા તેના 50 મીટરની આસપાસ જ 10 થી 15 ગાયો રખડતી જોવા મળી હતી.
રાણીપનાભાજપના કોર્પોરેટર વિરલ વ્યાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રખડતા પશુઓની બાબત અમારા ધ્યાન ઉપર આવી છે અને આ બાબતે મેં આજે સીએનસીડી વિભાગમાં ફરિયાદ પણ કરી દીધી છે. રખડતા પશુઓની સમસ્યા છે જ અને આ મામલે અમે અવારનવાર કમિટીમાં રજૂઆત પણ કરીએ છીએ આજે રખડતા પશુઓની જે સમસ્યા સામે આવી છે તે મામલે મેં જાણ કરી છે અને આજે ટીમ આવી અને ત્યાં કાર્યવાહી કરશે.
ન્યુ રાણીપ વિસ્તારમાં જ રખડતા પશુએ દંપતીને અડફેટે લઈ અને તેઓને ઈજા પહોંચાડી હતી ત્યારે સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અને રાણીપના કોર્પોરેટરો પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે આવા રોડ ઉપર રખડતા ઢોર દેખાય છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરી અને આ સમસ્યાનો ઉકેલ લાવવા અથવા આવા રખડતા પશુઓ દેખાય છે તેની ફરિયાદ કરવાની પડી નથી. તેઓ માત્ર પ્રજા પાસે મત માંગી જીત મેળવ્યા બાદ પોતે વિસ્તારમાં ફરે છે તેના માટે થઈ અને લોકો વચ્ચે નીકળ્યા હોય તેવું લાગતું હતું. તું ખરેખર જે પ્રજાની સમસ્યા છે તે તરફ તેઓએ ધ્યાન જ આપ્યું નથી.
અમદાવાદ શહેરમાં હવે જો તમે રોડ ઉપર ચાલવા નીકળો છો અથવા વાહન લઇને નીકળો છો તો સાચવીને ચાલજો કારણ કે ગમે ત્યારે રખડતા ઢોરના કારણે અકસ્માત થઈ શકે છે અને તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. દિવ્યભાસ્કરે શહેરના ન્યુ રાણીપ અને રાણીપ વિસ્તારમાં રખડતા પશુઓ અંગે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ચેનપુર ગામ પાસે રોડ ઉપર ઘાસચારાનું વેચાણ થતું હતું જેમાં 10થી 15 ગાયો ત્યાં જોવા મળી હતી ત્યાંથી આગળ ન્યુ રાણીપ વિસ્તારમાં રવિ ટેનામેન્ટ થઈ અને બાલમુકુંદ સોસાયટી પાસે આવેલા શુકન હોમ્સ પાસે જ્યારે પહોંચ્યા ત્યારે બે ગાયો રોડ ઉપર ચાલતા જતી હતી અને શુકન હોમ્સ પાસે જ સાબરમતીના ધારાસભ્યને રાણીપના કોર્પોરેટરો જન સંપર્ક રાઉન્ડમાં હતા.
ન્યુ રાણીપ માણકી સર્કલ પાસે આવેલા હનુમાનજી મંદિરની બાજુના ખુલ્લા મેદાનમાં પણ ઘાસચારાનું વેચાણ થતું હતું. જ્યાં 15 થી 20 જેટલી ગાયો જોવા મળી હતી અને રોડ ઉપર જ ગાય રખડતી હતી. જ્યારે માણકી સર્કલથી ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટ તરફ આર્ય વિલા ફ્લેટ પાસે જવાના રોડ ઉપર પણ ગાયો રખડતી જોવા મળી હતી. ન્યુ રાણીપ વિસ્તારના બાલમુકુંદ હોસ્પિટલ થી લઇ અને આનંદ પાર્ટી પ્લોટ સુધીમાં 10 જેટલી ગાયો રોડ ઉપર રખડતી જોવા મળી હતી અને આ 100 મીટર વિસ્તારમાં જ ભાજપના ધારાસભ્યો અને રાણીપના કોર્પોરેટરો જન સંપર્ક રાઉન્ડમાં હતા એટલે કે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય જ્યાં ફરતા હતા તેની આસપાસ જ રખડતા પશુઓ જોવા મળ્યા હતા છતાં પણ તેઓએ આ બાબતે ધ્યાન આપ્યું નહિ.
રાણીપ વિસ્તારના બલોલ નગર પાસે જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે ચાણસ્મા સોસાયટીની સામે એક બગીચો આવેલો છે. તેની બાજુના રોડ ઉપર બે જેટલી ગાયો રોડ ઉપર દોડતી હતી સામેથી ત્રણ નાની બાળકીઓ ચાલતી આવતી હતી. ગાય દોડતી હોવાથી બાળકીઓને ત્યાંથી ખસી જવું પડ્યું હતું. આ ઉપરાંત મુખ્ય રોડ પર પણ ગાય ફરતી જોવા મળી હતી. ન્યુ રાણીપના બલોલનગર રેલવે ઓવરબ્રિજથી લઈ અને નગર ચાર રસ્તા સુધીમાં પણ રોડ ઉપર ચારથી પાંચ ગાયો જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં રોડ ઉપર પશુઓ જ જોવા મળ્યા હતા રખડતા પશુઓના કારણે ગમે ત્યારે વાહન અકસ્માત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી માત્ર આ જ વિસ્તારમાં નહીં પરંતુ અમદાવાદના દરેક વિસ્તારમાં આ પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું CNCD વિભાગની કામગીરી ઢીલી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ને અવારનવાર ફટકાર લગાવવામાં આવે છે છતાં પણ તંત્ર સુધરતું નથી. ન્યુ રાણીપ વિસ્તારમાં દંપતીને અડફેટે લીધા હોવાની ગંભીર ઘટનાને ખુદ ભાજપના કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી. CNCD વિભાગના વડા ડોક્ટર નરેશ રાજપૂત અને ડો. પ્રતિપાલસિંહ રાઠોડની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. રખડતા ઢોર પકડવાની કામગીરી માટે પૂરતા વાહનો અને સ્ટાફ હોવા છતાં પણ કામગીરી થતી નથી અને જે રીતે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસની મદદ લેવાની જરૂર છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઢોર માલિકો નંબર પ્લેટ વગરના બાઈકો અને હાથમાં લાકડીઓ લઈ અને ટીમની સાથે ને સાથે જતા હોય છે છતાં પણ કોઈ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતું નથી જાહેરમાં ડંડો રાખો એ ગુનો હોવા છતાં પણ પશુ માલીકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાથી નથી જેથી કહી શકાય કે પ્રજા ભલે હેરાન થાય તંત્ર અને પોલીસ કોઈ કામગીરી કરશે જ નહીં.