બનાસકાંઠા (પાલનપુર)26 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકામાં ભંગારના વિવાદ મામલે પાલિકાના વિપક્ષના નેતા વધુ એકવાર ઉપવાસ પર ઉતર્યા છે. અંકિતા ઠાકોરને પાંચ દિવસ પહેલા પોલીસ તપાસની ખાતરી મળતા ધરણા સમેટ્યા હતા. પરંતુ, ત્યારબાદ કોઈ તપાસ હાથ ન ધરાતા ફરી એકવાર ઉપવાસ શરૂ કર્યા છે.
છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક વિવાદોમાં રહેતી પાલનપુર નગરપાલિકામાં ભંગાર વેચાણનો વિવાદ ઊભો થયો છે. પાલનપુર નગર પાલિકામાં ટેન્ડર પ્રક્રિયા વિના જ બારોબર 19 લાખનો ભંગાર 12 લાખમાં વેચી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. પાલિકાના ભંગાર વેચાણના મામલાને લઈ પાલિકા વિપક્ષ નેતાએ પાલિકાના ભંગાર વેચાણ મામલે તપાસ કરવા પાલનપુર પૂર્વ પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ હતી. જો કે તે બાદ કોઈ પણ જાતની તપાસ શરૂ ન થતા 5 દિવસ અગાઉ પાલિકા વિપક્ષ નેતા તેમના સાથીઓ સાથે પાલનપુર પૂર્વ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ પર બેઠા હતા.
જે તે સમયે ઉપવાસ પર બેઠેલા વિપક્ષ નેતાને પોલીસ દ્વારા તપાસની બાંહેધરી અપાતા વિપક્ષ નેતાએ ઉપવાસ આંદોલન સમેટ્યું હતું. જો કે તે વાતને 5 દિવસ વિત્યા બાદ પણ કોઈ તપાસ ન થતા ફરી એકવાર ઉપવાસ પર ઉતરી ગયા છે. આજે વિપક્ષ નેતા અંકિતા ઠાકોર શહેરના સિમલાગેટ વિસ્તારમાં જ જાહેર માર્ગ પર ઉપવાસ આંદોલન પર બેસી જતા પાલિકાનો ભંગારનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસ કરી દોષિત સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.