દ્વારકા ખંભાળિયા41 મિનિટ પહેલા
- કૉપી લિંક
મન કી બાત કાર્યક્રમ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રત્યેક માસના અંતિમ રવિવારે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશમાં થતી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓની જાણકારી, પ્રેરણા રૂપ કામગીરી તેમજ લોકોમાં જાગૃતિ આવે અને વિવિધ બાબતે પ્રેરણા મળે તે પ્રકારની બાબતો પર પ્રકાશ પાડવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિને લોકો સમક્ષ મન કી બાત રજૂ કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા બૂથમાં ભાજપના કાર્યકરો દ્વારા સામુહિક રીતે મન કી બાત અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 658 પૈકી 400 બુથમાં ભાજપના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા મન કી બાત અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મયુર ગઢવી તેમજ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા અહીંના મહત્ત્વના એવા હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મન કી બાત અંગેના યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આગામી તારીખ 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 100મો મન કી બાતનો કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના તમામ બુથ પર પાર્ટીના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આયોજન પણ થઈ રહ્યું છે. ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા ભાગોમાં યોજવામાં આવેલા મન કી બાતના કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો તેમજ નાના-મોટા કાર્યકરો સહભાગી થયા હતા.
સમાજ કલ્યાણ અને જાગૃતિ માટે બેઠક…
ભારતના જુદા જુદા 11 રાજ્યોમાં કાર્યરત ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF) નામની સંસ્થા કે જેના દ્વારા ચારણ-ગઢવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેના હોદ્દેદારો, આગેવાનોની એક મિટિંગ આજરોજ ખંભાળિયામાં યોજવામાં આવી હતી.
ખંભાળિયાના ભાણવડ રોડ ઉપર જ્ઞાતિના આગેવાન રાજા રૂડાચની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી આ મિટિંગમાં સી.જી.આઈ.એફ. (CGIF)ના પદાધિકારીઓ સહિતના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ કલ્યાણ માટે કાર્યરત એવી આ સંસ્થાના દ્વારા ચારણ (ગઢવી) સમાજમાં શિક્ષણ અને આરોગ્ય બાબતે જાગૃતિ આવે ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં પણ ચારણ ગઢવી સમાજના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જાગૃતિ અર્થેના ઉદ્દેશ સાથે આ મિટિંગ યોજવામાં આવી હતી.
અહીંના અગ્રણી રાજા ગઢવીના નિવાસસ્થાને યોજાયેલી આ ખાસ બેઠકમાં આ સેવા સંસ્થાનો વ્યાપ વિસ્તરે અને સ્થાનિક કાર્યકરો આ સંસ્થામાં જોડાય જેથી સેવાકાર્ય માટેનો પાયો વધુ મજબૂત બને તે બાબત પર ભાર આપવામાં આવ્યો હતો. આ મિટિંગમાં જામનગર, પોરબંદર સહિતના જિલ્લાના આગેવાનો પણ જોડાયા હતા અને આગામી સમયના આયોજન માટે સ્થાનિકોને જવાબદારી સોંપવામાં આવી હતી.
1,111 દિવડાનાં દર્શન…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન દ્વારા ચૈત્ર માસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
શનિવારે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માતાજી પ્રાચીન ગરબીની ફરતે 1,111 દીવડાના અલૌકિક દર્શન યોજવામાં આવ્યા હતા.
લોહાણા મહાજન તેમજ સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજી ભુવા દ્વારા આયોજિત આ ધર્મોત્સવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયુર ગઢવી, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર સાથે તાલુકા ભરના આગેવાનો જોડાયા હતા.
કુવામાં ખાબકેલી મહિલાનું રેસ્ક્યુ…
ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના મહિલા ગત રાત્રે પાણી વગરના કુવામાં ખાબક્યા હતા. કોઈ અકળ કારણોસર કૂવામાં પડી ગયેલા આ મહિલા અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ તાકીદે આ સ્થળે દોડી આવ્યો હતો અને કુવામાંથી મહિલાને હેમખેમ બહાર કાઢવામાં સફળ થયા હતા. ત્યારબાદ ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા આ મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.