બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

નાણાંકીય વર્ષ 2022-23ના અંતિમ માસને ધ્યાને રાખી બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં નાણાં સ્વીકારવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. વીજ ગ્રાહકો લાઈટ બીલ સરળતાથી ભરી કરી શકે તે માટે પી.જી.વી.સી.એલ. દ્વારા બોટાદ શહેર, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, રાણપુર, બરવાળા, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા તથા ધોળા પેટા વિભાગીય કચેરીઓમાં 31 માર્ચ 2023, સાંજે 7 વાગ્યા સુધી નાણાં સ્વીકારવામા આવશે. તેમજ ગ્રાહકો ઘરે બેઠા QR codeથી પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, R.T.G.S. / N.E.F.T. , UPI પેમેન્ટ ગેટવે તેમજ નજીકની ગ્રામ પંચાયત ઓફિસે પણ વીજ બીલના નાણાંની ભરપાઈ કરી શકે છે.

પી.જી.વી.સી.એલની વર્તુળ કચેરી, બોટાદે ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતથી જ વીજ બીલના બાકી લેણાની વસુલાત માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. માર્ચ-2023ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે રોજબરોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરી બાકીદારો પાસેથી વસુલાત હાથ ધરવામાં આવી છે. વર્તુળ કચેરી દ્વારા તા. 01/03/2023 થી 12/03/2023 સુધીમાં વિવિધ ટીમો બનાવી કુલ 24,540 ગ્રાહકો પાસેથી રૂપિયા 481.05 લાખની સ્થળ પર વસુલાત કરવામાં આવી છે. તેમજ કુલ 336 ગ્રાહકોના રૂપિયા 22.04 લાખના વીજ બીલના નાણાં સમયસર ભરપાઈ ન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી આગામી સમયમાં રજાના દિવસો સહિત સતત ચાલુ રાખવામાં આવશે. તમામ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે લાઈટ બીલના નાણાં તેમજ બાકી રહેતી રકમ સમયસર ભરપાઈ કરવા અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવાયું છે.