અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશનો બાહુબલી માફિયા અતિક અહેમદ આખરે ચાર વર્ષ પછી અમદાવાદની સાબરમતી જેલની બહાર કાઢવામાં આવ્યો છે. તેને યુપી પોલીસ ટાઇટ સિક્યોરિટી હેઠળ પ્રયાગરાજ લઈ જઇ રહી છે. જેને લઇને યુપી પોલીસ દ્વારા તમામ સુરક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જેલવાસ ભોગવતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ પોલીસે પરત લઈ જઈ રહી છે. આજે રવિવારે (26 માર્ચ 2023) સવારે સાડા નવ વાગ્યે પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી. ત્યારબાદ જેલ પ્રશાસન સાથે પ્રયાગરાજ પોલીસના કેટલાક અધિકારી અંદર ગયા હતા અને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટાફને ઇન્સાસ વન રાઇફલ આપવામાં આવી
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદ સાબરમતી સેલની સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવ્યો હતો અને હાલ તેને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારે અતીકને લઇ જતા પહેલા સાબરમતી જેલ સંકુલ અંદર બહાર પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ જ દરેક પોલીસ કર્મચારી લોડેડ હથિયાર સાથે હાજર હતા. અતીકને લેવા UP પોલીસ અંહીયા આવી છે અને તેમને ખાસ ઈનસાસ (insaas) વન રાઇફલ આપવામાં આવી છે, જેને ગુજરાત આવતાં પહેલા જ આપવામાં આવી હતી. જે વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
બાય રોડ જતાં આવતાં પડકારને પહોંચવા તૈયાર
અતીક યુપીના સૌથી વધુ ગુનાઓમાં સામેલ હતો. તેને બાય રોડ પ્રયાગરાજ લઇ જવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. અતીક અહેમદને યુપી લઇ જવા માટે 45 પોલીસકર્મીની ટીમ સાબરમતી જેલ પહોંચી હતી. આ ટીમનું નેતૃત્વ DCP રેંકના અધિકારી કરી રહ્યા છે. અતીકને જે પોલીસ કાફલામાં UP લઇ જવામાં આવી રહ્યો છે તેમાં 6 ગાડીઓ સામેલ છે. આ સાથે યુપી પોલીસ ગુજરાત આવી ત્યારે ખાસ પોલીસ સ્ટાફને ઇન્સાસ વન રાઇફલ આપવામાં આવી હતી. ઇનસાસ રાઇફલથી મિસ ફાયર થવાના ચાન્સ ખુબ જ ઓછા હોય છે અને જો રસ્તામાં કોઇપણ પડકારને પહોંચી વળવા માટે પોલીસ તમામ તૈયારીઓ કરી ચૂકી છે.
સામાન્ય જપ્તામાં 303 રાયફલ અપાય છે
અતીક અહેમદ હાલ સાબરમતી જેલથી હાઈ સિક્યુરિટી વચ્ચે પ્રયાગરાજ લઇ જવામાં આવી રહ્યો છે. અતીકને ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઈ જવા માટે રસ્તામાં ખાસ સિક્યુરિટીની જરૂર પડશે. તેની સાથે તમામને બૂલેટ પ્રૂફ જેકેટ પણ આપવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે જ્યારે તેઓ નીકળ્યા ત્યારે તેમને insaas-1 રાયફલ આપવામાં આવી હતી. સામાન્ય રીતે તેમને પોલીસને જાપ્તા દરમિયાન 303 રાયફલ આપવામાં આવતી હોય છે.
પ્રિઝનર વાનમાં અતીકને બેસાડાયો
અતીક અહેમદને જે પ્રિઝનર વાનમાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમાં સિક્યુરિટી માટે ફિંગર પ્રિન્ટ લોકથી લઈને બૂલેટપ્રુફ જેકેટ પહેરેલા પોલીસકર્મીઓ હાજર છે. પોલીસની પ્રિઝનર વાન અને ગાડીઓ જેલના દરવાજે ઉભી રાખવામાં આવી હતી. જેથી જેલમાંથી સીધો અતીક અહેમદને ગાડીમાં જ બેસાડાયો હતો. અતિક અહેમદને UP 70 AG 4078 નંબરની પ્રિઝનર વાનમાં લઈ જવામાં આવી રહ્યો છે. સાથે જ અન્ય એક આઈસર UP 70 AG 4063 નંબરની પ્રિઝનર વાનમાં અન્ય પોલીસકર્મીઓ સવાર થશે.
અતીક સામે 2007ના એક ગુનામાં બુધવારે કોર્ટમાં સુનાવણી
પ્રયાગરાજ પોલીસ કોર્ટમાં રજૂ કરવા અતીકને લેવા પહોંચી મળતી માહિતી મુજબ 2007માં અતીક અહેમદ વિરુદ્ધમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. જે મામલે બુધવારે સુનાવણી થવાની છે. સુનાવણીને લઈને કોર્ટ અતીક અહેમદને હાજર રહેવા આદેશ કર્યો છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને અહીંથી લઈ જઈ રહી છે. આ ઉપરાંત ઉમેશપાલની હત્યામાં પણ અતીક અહેમદની સંડોવણી હતી, જેથી અતીકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
અતીકને 2019માં સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો
જૂન 2019માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ 2019ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.
જેલમાં કેદ અતીક વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતો હતો
UPના ઉમેશ પાલ હત્યાકાંડમાં છેલ્લા 24 કલાકમાં 3 મોટા ખુલાસાઓ થયા છે. પ્રથમ- પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે 6 નહીં, 13 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી 7 પાછળથી રાહ જોઈ રહ્યા હતા. બીજો- હત્યાનું કાવતરું મુસ્લીમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજુ- કાવતરામાં મુખ્ય ભુમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેલમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.
આ ખુલાસો અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અને હત્યામાં સામેલ સદાકત ખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશ્નર રમિત શર્માએ જણાવ્યું હતું કે સદાકતની STFએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. તે નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો. સદાકત અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રુમ નં-36માં ગેરકાયદે રીતે રહેતા હતો. આ જ રુમમા ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.