રાજકોટ34 મિનિટ પહેલા
જસદણ માર્કેટ યાર્ડ પાણી પાણી થયું.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી રાજકોટ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે જસદણ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પણ પાણી ભરાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
વરસાદથી ખેડૂતોમાં ચિંતા
હાલ ઘઉં, ચણા, ધાણા સહિતના પાકો તૈયાર થઈ ગયા છે. તેમજ પશુઓ માટેનો ચારો પણ ખુલ્લા ખેતરમાં પડ્યો છે. ત્યારે જસદણ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ઘઉં, ચણા, ધાણા સહિતના પાકોમાં નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. વરસાદ પહેલા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા.
તૈયાર પાકને ઢાંકવા ખેડૂતોમાં દોડધામ થઈ
જસદણના આટકોટ, જંગવડ, વીરનગર, પાંચવડા, જીવાપર, વીરનગર, સાણથલીના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાજગીજ સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે. કપાસ, જીરૂ, ઇસબગુલના ઉભા પાકનો સોથ વાળી દીધો છે. જીરાનો પાક સંપૂર્ણ તૈયાર થઈ જતા અને તેના પર વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ થઈ છે.
ધોધમાર વરસાદ રસ્તા પાણી પાણી.
ગઈકાલે ભુજમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો
ગઈકાલે ભુજમાં કરા સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટીના છાડવાડા આમલીયારા જંગી, લાલિયાણા, વાઢિયા, ગોડપ,ર મોડપર, નવા-જુના કટારીયા, લઘધિરગઢ, શિકારપુર, સૂરજબારીમાં ઝાપટા પડ્યા હતા. રાપરના રણકાંઠાના ગાગોદર, કાનમેર, ધાણીથર, ચિત્રોડ, કિડીયા નગરમાં બપોરે અઢી વાગ્યા બાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
જસદણના બજરંગનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ.
નદીમાં કાળે ઉનાળે પૂર આવ્યું
ગઈકાલે સિહોર તાલુકાના કનાડ આજુબાજુના પંથકના ગામોમાં ભારે કમોસમી વરસાદ પડતાં કનાડ ગામની નદીમાં કાળે ઉનાળે પૂર આવ્યું હતું. હળવાથી ભારે વરસાદ વરસી જવા પામ્યો હતો. કેટલાય ધરતીપુત્રોના ખળામાં હજી ઘઉં પડ્યા છે. કેરીના પાકને સારા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ડુંગળીએ તો પહેલેથી જ ધરતીપુત્રોને રોવડાવ્યા હતા, એમાં કમોસમી વરસાદ ધરતીપુત્રોની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઈ છે. તો તળાજામાં પણ માવઠું વરસ્યું હતું.
25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની સંભાવના છે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપ સુધીનો ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડી છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે.
(તસવીરોઃ કરસન બામટા, આટકોટ)