અમરેલી30 મિનિટ પહેલા
રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરા ભરમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ બપોર બાદ આવી રહ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે ફરી વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જાફરાબાદ તાલુકાના ટીબી આસપાસ ગામડામાં કરા સાથે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે. અહીં લોર,પીંછડી, ફાસરીયા, એભલવડ,નાગેશ્રી, મીઠાપુર,દુધાળા,હેમાળ,ભાડા,વડલી સહિત ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે સાથે રાજુલા શહેરમાં પણ વરસાદી જાપટા પડ્યા હતા અહીં રાજુલાના ગ્રામ્ય વિસ્તાર માંડરડી,ડુંગર,કુંભારીયા,ધારેશ્વર,ઝાપોદર સહિત ગામડામાં વરસાદી જાપટા પડ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા વિજપડી,છાપરી, ચીખલી,ખડસલી સહિત ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે વિજપડી સહિત ગામડામાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે અને સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. તો બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. બાબરા શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા, પીર ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના મોટભાગના ગામડાંઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.