રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
મૃતક યુવાનની ફાઈલ તસવીર,
ગોંડલ ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા વર્ષિલ અમીતભાઈ પરમાર (ઉં.વ.18)ને અજાણ્યા બોલેરોના ચાલક અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વર્ષિલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો
પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વર 25 વારીયામાં રહેતો અને ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતો વર્ષિલ પરમાર ગઈકાલે તેના મિત્ર સાથે ગોંડલ રોડ પર આવેલી હોટલમાં જમવા માટે ગયો હતો. જ્યાં જમીને તેને આરટીઓ કચેરીએ કામ હોવાથી મિત્ર યશ તેને બાઈક પર ગોંડલ ચોકડી પાસે ઉતારી નિકળી ગયો હતો.
મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો
દરમિયાન વર્ષિલ રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લેતા તે રોડ પર ફંગોળાયો હતો. આથી શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પીટલે ખસેડ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકના કાકાની ફરિયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો, બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
રત્નાકલાકાર પર પાઈપથી હુમલો
પટેલનગર 6માં રહેતાં અશ્વિનભાઈ કરશનભાઇ રાઠોડ સવાણી ડાયમંડ નામના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. ગતરોજ રાત્રિના તેઓ કારખાને હતાં ત્યારે ત્યાં હાજર રત્ન કલાકાર શૈલેષ અને હદાએ જૂની અદાવતનો ખાર રાખી પાઈપથી હુમલો કર્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યાં અનુસાર, અશ્વિનને શૈલેષ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી જે બાદ તેણે કામે આવવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસથી તે ફરી કામે લાગ્યા બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી.
ચોરાઉ બે મોબાઈલ સાથે આરોપીની ધરપકડ.
આજીડેમ ચોકડી પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે શખસ ઝડપાયો
આજીડેમ ચોકડી પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે ભરત ચાવડાને એલસીબીની ટીમે દબોચી રૂ.15 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. એલસીબી ઝોન 1ના પીએસઆઇ બી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા રવિરાજ પટગીરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી ભરત કિશોર ચાવડાને બે ચોરાઉ મોબાઇલ સાથે દબોચી રૂ.15 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ હાજીપીરના મેળામાંથી મોબાઇલ ચોરી કર્યાનું કબુલ્યું હતું.