રાજકોટ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

મૃતકની ફાઈલ તસવીર
રાજકોટમાં રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં પાણીનો વાલ્વ ખોલવા જતા કોન્ટ્રાકટ કર્મચારી 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો અને ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે.
સેફટીના સાધનોના અભાવે મોત થયાનો આક્ષેપ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સિગલ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો કોન્ટ્રાકટ કર્મચારી મુકેશ રાઠોડ આજે રામવન પાસે આવેલ RMCના પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી કરવા ગયો હતો. જ્યાં મુકેશ રાઠોડ પાણીનો વાલ્વ ખોલવા જતા તેનો પગ લપસી ગયો હતો અને તે 35 ફૂટ ઉંડા ટાંકામાં ખાબક્યો હતો. 35 ફૂટ ઉંડા પાણીની ઇનલેટ ચેનલમાં અને પાણીનો ફોર્સ વધુ હોવાથી ડૂબી જતા તેનું મોત થયું હતું. આ મામલે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરી છે. આ દુર્ઘટનાને પગલે તેમણે સેફટીના સાધનો ન હોવાથી અકસ્માત થયો હોવાના આક્ષેપ કર્યો હતો.
માતાએ મોબાઈલ ખરીદવાની મનાઈ કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના રામનાથપરા-14 માં રહેતાં યુવાને સાંજે રૂમમાં લોખંડના એંગલમાં ટૂવાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરંતુ ગાંઠ છુટી જતાં પોતે પટકાયો હતો અને ઇજા થઇ હતી. સાથે રહેતો અન્ય બંગાળી યુવાન આવી જતાં તેણે હોસ્પિટલે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સાતફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.યુવક બે બહેન અને એક ભાઇમાં નાનો છે. તે રાજકોટ રહી સોની કામ કરે છે. તેને સિત્તેર હજારવાળો મોબાઇલ લેવો હતો પરંતુ તેની માતા સાથે ફોન પર વાત કરતાં આટલો મોંઘો ફોન લેવાને બદલે વાહન અથવા ગોલ્ડ ખરીદી લેવા અને સસ્તો ફોન ખરીદવાનું કહેતાં તેને માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હાલ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા બાદ પુત્રનું પણ મોત
રાજકોટ જિલ્લાના જેતપુર મેવાસા પ્લોટમાં રહેતા ચનાભાઈ કરશનભાઈ સરવૈયા (ઉ.વ.60) અને તેમનો પુત્ર મહીપત ઉર્ફે મહેશ ચનાભાઈ સરવૈયા (ઉ.વ.38) સવારે બારેક વાગ્યાના અરસામાં વાડીએથી બાઈક પર ઘરે જવા નિકળ્યા હતા ત્યારે મેવાસા ગામના પાદરમાં સામેથી પૂરઝડપે આવતા બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચનાભાઈનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતાના મોત બાદ સારવાર હેઠળ રહેલ પુત્ર મહિપત ઉર્ફે મહેશ સરવૈયાએ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બીપીન ઉર્ફે દીપો ચનાભાઈ સરવૈયાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નવાગામમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટ શહેરના નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં રહેતી કાજલ ગીરીશભાઇ ઠાકોર (ઉ.વ.30) એ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પાડોશી પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના PSI એ.વી.બકુત્રા સહિતે સ્થળ પર પહોંચી ગયા હતા. તેણીએ કયા કારણોસર આ પગલુંભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચોરાઉ એકસેસ સાથે બે સગીર ઝડપાયા
માલવીયાનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી બે ચોરાઉ એકસેસ મોપેડ સાથે બે સગીરને દબોચી તેની પાસેથી રૂ.1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બન્ને સગીર આરોપીઓએ એક બાઇક તા.22 માર્ચના સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા કોલોની પાસેથી અને બીજુ બાઇક તા.16 માર્ચના મેઘાણી રંગભવન પાછળ વૃજ ભૂમિ સ્કુલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
0 comments:
Post a Comment