ડીસા30 મિનિટ પહેલા
- કૉપી લિંક
ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી જવા પામ્યો છે. જેમાં વારંવાર જાહેરમાં લડતા આખલાઓના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાયેલી છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અંગે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.
ડીસા શહેરમાં રખડતા આખલાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં કે બજારોમાં ગમે ત્યારે આખલા બાખડી પડે છે. આખલા યુદ્ધના કારણે આજુબાજુના વેપારીઓને ભય લાગી રહ્યો છે. અનેક વખત આખલાઓએ લડતા લડતા દુકાનોને, વાહનો, લારીઓને નુકસાન કરેલું છે. તેમજ અનેક લોકોને ઈજા પહોંચાડેલી છે.
ત્યારે આજે ડીસાના લાલ ચાલી વિસ્તારમાં પણ બે આખલા જાહેરમાં લડતા એક કલાક સુધી આજુબાજુના લોકોએ તેમને છોડાવવા પાણી છાંટી, લાકડીઓ મારી ખૂબ જ મહેનત કરવી પડી હતી. પરંતુ આખલા છૂટા પડતા ન હતા. તેમજ આજુબાજુમાં પડેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વારંવાર જાહેરમાં યુદ્ધે ચડતા આખલાઓથી પ્રજા હવે પરેશાન થઈ ચૂકી છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ રખડતા ઢોરોનો કાયમી ધોરણે નિકાલ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.