છોટા ઉદેપુરએક કલાક પહેલા
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના કેવડી ગામમાં આજે બપોરે એક મકાનમાં અચાનક આગ લાગતાં આખું મકાન બળીને ખાખ થઈ જતાં પરિવાર પર જાણે આભ તુટી પડ્યું છે. જેને લઇને પરિવાર બેઘર બની ગયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આગ લાગવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે છોટા ઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. નસવાડીના કેવડી ગામના ફુગરિયા ખાતરિયાભાઈ ભીલ પરિવાર સાથે મજૂરી અર્થે બહાર ગયા છે. ત્યારે આજે બપોરે તેઓના મકાનમાં અચાનક આગ લાગી જતાં આખું મકાન બળીને ખાઈ થઈ ગયું છે.

આ મકાનમાં આગ લાગતાં ઘર વખરી સહિત તમામ ચીજ વસ્તુ તેમજ અગત્યના કાગળો બળીને ખાખ થઈ જતાં પરિવાર બેઘર બની ગયો છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

મહત્વની વાત એ છે છોટા ઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યે 10 વર્ષનો સમય વીતી ગયો છે, પરંતુ તાલુકા કક્ષાએ ફાયર ફાઇટરની સુવિધા નથી. જેને કારણે આગ લાગવાના સમયે છોટા ઉદેપુર નગરપાલિકા અથવા બોડેલી APMC માંથી જ ફાયર ફાઈટર આવે છે. જો તાલુકા કક્ષાએ ફાયર ફાઈટરની સુવિધા કરવામાં આવે તો લોકોના જાનમાલને બચાવી શકાય તેમ છે.
