માંગરોળ10 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- ગભરાયેલો કર્મી ઓડીયો ક્લિપમાં કહે છે તમે મને મારી નાંખશો
ભુતકાળમાં અનેક કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ પાલિકાના રેકર્ડ સાથે છેડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતા હડકંપ મચી ગયો છે. ‘સાહેબ’ તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને પાલિકાના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મી વચ્ચે કોઈ ચોક્કસ પ્રકરણ સબંધે રજીસ્ટરમાં જન્મનું વર્ષ બદલાવી નાંખવા, પાનું ફાડી નાંખવા, રજીસ્ટર સગેવગે કરી નાંખવા, સિક્કો મારીને બોગસ સર્ટિફિકેટ કાઢી નાંખવા સહિતની વાતચીતથી અધિકારીઓની જાણ બહાર કચેરીમાં અંદરખાને ચાલતી ધાંધલીની પોલ ખુલી ગઈ છે.
માંગરોળ પાલિકાના રેકર્ડ સાથે છેડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ
પાલિકાના કર્મચારીઓને ડરાવી, ધમકાવી એક ચોક્કસ જૂથ પોતાના ધાર્યા કામ કરાવતું હોવાની છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે 6:55 મિનિટની વાયરલ થયેલી ઓડિયોક્લિપમાં એક શાળાના આચાર્ય અને રાજકીય પક્ષના હોદ્દેદારને પાલિકાના કર્મચારી કચેરીનું રેકર્ડ તપાસી 2007માં જન્મ મરણ શાખાના રજીસ્ટરમાં બે બાળકની અને તે પહેલાં 2003માં એક બાળકની નોંધ બતાવે છે તેવું કહે છે. થોડી ચર્ચા બાદ સાહેબ કર્મચારીને 2007ની નોંધ 2005માં ચઢાવી દેવા અને રજીસ્ટરમાંથી પેઈજ કાઢી નાંખવાનું કહેતા કર્મચારી ગભરાતા ગભરાતા ‘હું મરી જાઉં નહીં’ તેમ કહેતા ઓફીસમાં તો 25 જણા બેસે છે. તેમ કહી બે, ત્રણ દિવસમાં પછી પાછું ફીટ કરી દઈશું તેવી ધરપત આપે છે.વાતચીતનો દોર આગળ ધપતા કર્મચારી કહે છે કે અરજદાર રજીસ્ટરના ફોટા પણ પાડી ગયા છે.
કચેરીમાં અંદરખાને ચાલતી ધાંધલીની પોલ ખુલી
ત્યારે સામે છેડેથી સાહેબ કહે છે કે તું ચિંતા કરમાં.. પેજ કાઢી નાંખ.. બે દિ પછી હું પાછું આપી દઈશ… કચેરીએ તું ન હોય અને કોઈ આવશે તો ટાળી દેશે… ગભરાયેલો કર્મચારી કહે છે કે તમે મને મારી નાંખશો. રજીસ્ટર કોઈને મળે નહીં એમ મારી રીતે રાખી દઉં. ઓફીસની ચાવી મારી પાસે જ હોય. કોઈ આવશે તો કહી દઈશ કે ચાવી ખોવાઈ ગઈ. ત્યારે સાહેબ કહે છે કે હું આવીને પાનું ફાડી નાંખું ?!… તું એકલો નોકરી કરે છે ? 15 જણા અંદર બેસે છે. કોઈ કર્મચારી (3 કર્મીઓના નામ બોલે છે) કે કોઈ વાલી ફાડી ગયું હશે. આખરે ચાવી અને સહી વગરનો, સિક્કો મારેલો જન્મ તારીખનો દાખલો એક દુકાને આપી દેવાનું નક્કી થાય છે.
ચિફ ઓફીસરે રેકર્ડ કબ્જે કરી લીધું
ટોક ઓફ ધ ટાઉન બનેલા આ પ્રકરણ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઓડીયોક્લિપ પાલિકાના વહીવટીદાર પ્રાંત અધિકારી- કેશોદ સુધી પહોંચતા તેઓએ ચિફને કાર્યવાહી કરવા સુચના આપતા ચિફ ઓફીસર દેવીબેને રોજકામ કરી, રેકર્ડ પેનડ્રાઈવમાં લીધું છે. તેમજ રજીસ્ટર કબ્જે લઈ બેને નોટીસ આપી છે.
મામલો શું હોઈ શકે ?
કહેવાય છે કે પાલિકાના એક સદસ્યને ત્યાં 2007માં ત્રીજા બાળકનો જન્મ થયેલ હોવાની હકીકત ઉમેદવારી ફોર્મમાં છુપાવી સભ્ય બની ગયાની ફરીયાદ થઈ હતી. આથી સભ્યપદ બચાવવા રેકર્ડ સાથે ચેંડા કરવા પેરવી કરવામાં આવી હતી.