સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોની જીંદગી બરબાદ થયાની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવતા વ્યાજખોરોનું દૂષણ ડામવા પોલીસ લોક દરબારો યોજી એક્શન મોડમાં આવી હતી. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અનેક વ્યાજખોરો સામે ફરીયાદો પણ નોંધાઇ હતી. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા વ્યકિતને ઊંચા વ્યાજે રૂપિયા આપી કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વધુ બે વ્યાજખોરો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં વ્યાજખોરો સામેં ભોગ બનનાર વ્યક્તિએ મૂળ તેમજ વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં બન્ને શખ્શો માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે ધ્રાંગધ્રા શહેરમાં રહેતા ધવલભાઇ પુષ્કરભાઇ આચાર્યએ ધ્રાંગધ્રાના જીગ્નેશભાઇ રતિલાલ સોમપુરા અને દેવતભાઇ દીપકભાઇ મહેતા પાસેથી લીધેલી રકમના અંદાજે 10 % લેખે રૂપિયા 70થી 80 લાખ વ્યાજે ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો અવારનવાર હેરાન પરેશાન કરતા હોવાથી થોડા દિવસો પહેલા ભોગ બનનાર ધવલભાઇ પુષ્કરભાઇ આચાર્યએ ફિનાઇલ પણ પીધું હતુ. આ ફરીયાદના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસે બન્ને વ્યાજખોરો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.