ડીસા9 મિનિટ પહેલા
ડીસા ઉત્તર ગુજરાત વિજ કંપનીની ઓફિસમાંથી એક કોન્ટ્રાક્ટરને ફાળવ્યા કરતા સવા કરોડનો વધુ સામાન ઉઠાવી જતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર પાસેથી તમામ સામાન રિકવર કરી તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસાના આખોલ પાસે આવેલા ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિભાગીય 1 અને 2ની કચેરી આવેલી છે. આ કચેરી દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં નવી વીજ લાઈન ખેંચવા સહિતના કામો માટેનો કોન્ટ્રાક્ટ હરદેવ રાવલને નિયમ મુજબ આપવામાં આવ્યો હતો. તેને કામ કરવા માટે સામાનની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ તેને ઓફિસ દ્વારા ફાળવવામાં આવેલા સામાન કરતા સવા કરોડ રૂપિયાનો વધુ સામાન ઉઠાવી જઇ યુજીવીસીએલ સાથે છેતરપિંડી કરી હતી.
જે બાબત ધ્યાને આવતા જ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અત્યાર સુધી અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર પાસેથી મોટા ભાગનો સામાન રીકવર કર્યો છે. તેમજ તેને બ્લેક લિસ્ટ કરવા માટે નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટરને ફાળવ્યા કરતા સવા કરોડ રૂપિયાનો વધુ સામાન ઉઠાવી જઇ યુજીવીસીએલ કંપની સામે છેતરપિંડી આચરી છે. તેની સામેની તપાસ પૂર્ણ કરી અધિકારીઓએ મોટા ભાગનો સામાન રીકવર પણ કર્યો છે. પરંતુ હજુ તેની સામે કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નથી. જેથી યુજીવીસીએલના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે તેવી લોકોની માગ છે.