છોટા ઉદેપુર36 મિનિટ પહેલા
- કૉપી લિંક
છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસ, અને જિલ્લા પંચાયતના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ સિરિઝના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલનો સમગ્ર દેશ અને રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે. જેના અનુસંધાને છોટાઉદેપુરના સ્વમીનારાયાણ હોલ ખાતે આ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ મલકાબેન પટેલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આજે મહિલાઓ ઘરના કામ કરવાથી લઈ અને વિમાન ચલાવતી થઈ છે. બહેનોનું જીવન ધોરણ બદલાયુ છે બહેનો પુરૂષ સમોવડી બની છે. અને બહેનો પોતાની ટેલેન્ટ દરેક ક્ષેત્રમાં બતાવી રહી છે, પરંતુ સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાના પુરક છે. જેમ દરેક સફળ પુરૂષ પાછળ એક મહિલા જવાબદાર છે તેમજ દરેક સફળ સ્ત્રીને પણ પુરૂષનો સપોર્ટ જરૂરી છે.
સમારંભની શરૂઆત જ ટીમલી નૃત્યના તાલે મહેમાનોને એસ્કોર્ટ કરીને કરવામાં આવી હતી. તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ અંતર્ગત બહેનોએ વેશભૂષા શો રજૂ કર્યો હતો. આ વેશભૂષામાં રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી, સરોજીની નાયડુ, સુનીતા વિલિયમ તેમજ અન્ય દેશ માટે પોતાની જાત ન્યોછાવર કરનારી મહિલાઓને યાદ કરી શ્રોતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આઈસીડીએસની બહેનો એ રાસ ગરબા, ટીમલી, પોષણ અભિયાન ગીત પર અભિનય, ભૂલકાઓએ ડાન્સ વગેરે રજૂ કરી કાર્યક્રમને મનોરંજનથી ભરપૂર કરી દીધો હતો. કૃતિ રજૂ કરનાર તમામ બહેનોને સ્વભંડોળ દ્વારા એક એક ભેટ સોગાદ આપવામાં આવી હતી. સમારંભમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી.