સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

હિંમતનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી આર.ટી.ડી. ડૉ. સતીશ મકવાણાની અધ્યક્ષતામાં YES WE CAN END TBની થીમ પર કરવામાં આવી હતી. ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનારા ડૉક્ટર્સ, ક્ષય મિત્રો, પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ, પ્રાઇવેટ ડૉક્ટર્સ તેમજ ક્ષય નિર્મૂલન કાર્ય સાથે સંકળાયેલા સારી કામગીરી કરતા લોકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ.સતીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ક્ષય રોગની ભયાનકતા જે તે સમયે ખૂબ જ વધુ હતી. તે સમયે કહેવાય છે કે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થતું હતું. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે. 2025માં ટીબીમુક્ત ભારત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેના થકી “YES WE CAN END TB” ની થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ટીબીને સંપૂર્ણપણે 2025 સુધીમાં ભારતમાંથી દૂર કરવામાં અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે. જેમકે નિક્ષય સહાય યોજના-જેમાં ટીબીના દર્દીને દર મહિને 500 રૂપિયા ખાતામાં આપવામાં આવે છે. લોકભાગીદારીને જોડીને દાતાઓ દ્વારા પોષણ કીટ પહોંચાડવા જેવી અનેક સારી યોજનાઓ થકી ટીબીને ઘણાઅંશે આપણી કંટ્રોલ કરી રહ્યા છીએ. આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, સરકારની ક્ષય નાબૂદી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા રહી છે. તેમાં આજે ડિટેક્શન, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, રિસર્ચ થકી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ડિટેકશન માટે માઈક્રોસ્કોપ, ટેસ્ટ વગેરે જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે.

પહેલાના વખતમાં ટ્રીટમેન્ટમાં બે વર્ષના કોર્સમાં ઈન્જેક્શન જેવી સુવિધાઓ હતી. આજે ઓરલ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે. દર્દીની પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રિવેન્શન માટે કફ કોર્નર, ફાસ્ટ ટ્રેકિંગ જેવી કામગીરી થકી ટીબી પેશન્ટના સંપર્કમાં આવેલા પર્સનની આપણે પ્રી-પ્રીવેન્શન કોર્સ કરાવી શકીએ છીએ. તેમજ આ માટે રિસર્ચ દ્વારા નવી દવાઓ થકી સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે CDMO ડૉ.અજય મુલાણી, RMO ડો.એન.એમ.શાહ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ફાલ્ગુનીબેન, હિંમતનગરના THO રાજેશ પટેલ, ક્ષય મિત્રો જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ડૉક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


