અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદના કણભામાં ગત ચોથી માર્ચે ધામતવણ ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર લાલજી પ્રતાપજી નામના યુવક સાથે ઝગડો કરીને માથામાં ઘા મારીને તેની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ ગુનાના આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં ટેકનીકલ તથા પબ્લિક સોર્સના આધારે માહિતીઓ મેળવીને શકમંદ ઈસમ રૂમાલભાઈ ચુનારાને પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આ યુવકની અલગ અલગ પ્રકારે પુછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન રૂમાલભાઈ ચુનારાએ પોલીસ સમક્ષ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મરણ જનાર લાલજી પ્રતાપજી અને હું રાત્રીના સમયે ખેતરમાં રોઝડા ભગાડવા ગયા હતાં. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મને ગુસ્સો આવતાં મેં લાલજીના શરીરે તથા માથાના ભાગે લાકડાનો દંડો મારતાં તેનું મોત નિપજ્યું હતું. જેથી આરોપીની પોલીસે અટક કરીને વધુ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.