રાજકોટ9 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
નકલી નોટના કેસમાં વાંકાનેરના એડવોકેટ અબ્દુલ દલપોતરાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત 50 હજારનો દંડ રાજકોટ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે. રાજકોટ અમદાવાદ રોડ પર આવેલા યાતાયાત સંગમ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવી આરોપી અબ્દુલ જમાલ દલપોતરાએ રૂ.1000ની નકલી નોટ આપેલી હતી જે બાદ કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ગત તારીખ 07.12.2011ના રોજ પેટ્રોલ પંપ ખાતે કામ કરતા ફરીયાદી ભાવેશભાઈ નડીયાદીએ આરોપી વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-489(બી) મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી. આરોપીએ અમદાવાદ રોડ ઉપર આવેલા આઈ.ઓ.સી. ગેસ પ્લાન્ટ નજીક યાતાયાત સંગમ નામના પેટ્રોલ પંપે તેનું મોટર સાયકલ લઈ રૂ.100નું પેટ્રોલ ભરાવેલ બદલામાં રૂ.1000ની નોટ આપેલી અને ફરીયાદીએ આ નોટ બાબતે પુછતા આરોપી અબ્દુલ તેનું મોટર સાયકલ લઈ ભાગ્યો હતો.
ત્યારે સાહેદ વિજયભાઈ અને અકબરભાઈએ પાછળ દોડી આરોપીને પકડી લીધેલ. પોલીસને જાણ કરેલી અને નોટની ખરાઈ કરાવતા 1000ની ચલણી નોટ બનાવટી અને ખોટી હોવાનું માલુમ પડેલ. આરોપીની ધરપકડ પછી ચાર્જશીટ ફાઈલ થતા કેસ ચાલવા પર આવેલો. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગભાઈ શાહ હાજર રહેલા તેઓએ કુલ 23 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા અને 11 સાક્ષીઓને તપાસેલા હતા. તેમણે દલીલો કરેલ કે, આરોપી સામે પ્રાઈમાફેસી કેસ છે.
આરોપી જે નોટ વટાવવા આવેલ છે તે 1000 ની નોટ જાલી છે તેની આરોપીને જાણ હોવા છતાં તેને વાપરવાનો પ્રયાસ કરેલ. બનાવટી નોટ ફરીયાદી જુવે છે ત્યારે તે ભાગે છે. પરંતુ તે પકડાઈ જાય છે. સ્થળ ઉપર એફ.એસ.એલ. મોબાઈલ ઈન્વેસ્ટીગેશન વાનને બોલાવેલી. તેમાં પણ નોટ નકલી હોવાનું પ્રાથમિક કારણ આપેલ અને ફાઈનલ અભિપ્રાયમાં પણ નકલી નોટ હોવાનો રિપોર્ટ છે. આરોપીના વિશેષ નિવેદનમાં તેને આ જાલી નોટ તથા ગુન્હા બાબતે કોઇપણ પ્રકારનો ખુલાસો કરેલ નથી, કે કોઈ ડીફેન્સ વીટનેસ તપાસેલા નથી.
આરોપી સામે ભુતકાળમાં પણ આ પ્રકારના ગુન્હાના કેસો નોંધાયેલા છે જે પણ ધ્યાને લેવા જોઈએ. રાષ્ટ્ર વિરોધી તથા રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર ગુનો હોય હળવાશથી લેવો ન જોઈએ. તમામ દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી અબ્દુલ જમાલ દોલપાત્રાને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.50,000 નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધારાની 1 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલ હતા.