ગાંધીનગરના ચારેય તાલુકામાં 10 ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે, માસ્ટર ટ્રેઇનરો પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે | One cluster per 10 villages will be created in all the four talukas of Gandhinagar, master trainers will impart training in organic farming. | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનાં ઉદ્દેશથી દરેક તાલુકામાંથી દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવનાર છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના દસ ગામ દીઠ ક્લસ્ટર બનાવી માસ્ટર ટ્રેનરો થકી પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવશે. આ ઉપરાંત દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ પણ કરવામાં આવશે.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંત આપી રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે.

રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 14 હજાર જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જ્યા ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે. જે અન્વયે આગામી સમયમાં ગાંધીનગરના ચારેય તાલુકાના 10 ગામ દીઠ એક ક્લસ્ટરનું નિર્માણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post